જિલ્લા શિક્ષણાધિકારીનો તમામ શાળાઓને આદેશ; માર્ગ સુરક્ષાને લઈ શાળાઓને જવાબદારી સોંપાઈ
અમદાવાદ: વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષાની જાગૃતિ વધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે હેલ્મેટ પહેર્યા વગર અથવા માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
DEO દ્વારા શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓને આ નિયમનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળા સંચાલકોને પ્રવેશદ્વાર પર વિદ્યાર્થીઓની ચકાસણી કરી ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શિક્ષણ વિભાગનું માનવું છે કે સગીર વયે વાહન ચલાવવાના વધતા બનાવો અને માર્ગ અકસ્માતોને રોકવા માટે આ નિર્ણય જરૂરી બન્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ અંગે વાલીઓને જાણ કરવાની અને જરૂરી કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં ટ્રાફિક શિસ્ત, જવાબદારી અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે શાળાઓમાં વિશેષ અભિયાન અને માર્ગદર્શન કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસે તેવી શિક્ષણ વિભાગે આશા વ્યક્ત કરી છે.










