અકસ્માતમાં 6 લોકો ઘાયલ; રાહદારીઓ અને પોલીસની મદદથી બચાવ કામગીરી, હોસ્પિટલમાં સારવાર ચાલુ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ એસટી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર અથડામણ થતાં રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ડોક્ટરોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત્ કર્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.










