નંજયાંગ અને ગર્બાધાર પાસે ભારે ભૂસ્ખલન; 20 સરહદી ગામો સંપર્કવિહોણા, 16 ગ્રામ્ય માર્ગો હજુ પણ બંધ
દેહરાદૂન: ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કૈલાસ માનસરોવર યાત્રા પર ફરી અસર પડી છે. ધારચૂલાથી લિપુલેખ જતો યાત્રા માર્ગ નંજયાંગ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે સંપૂર્ણ બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં મંગળવારે કૈલાસ માનસરોવર યાત્રા સંપૂર્ણપણે અટકી રહી હતી.
સોમવાર રાત્રિથી વરસાદના કારણે બંધ થયેલો ટનકપુર-તવાઘાટ નેશનલ હાઈવે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તવાઘાટ-લિપુલેખ માર્ગ ગર્બાધાર અને નંજયાંગ પાસે ભેખડો ધસી પડતાં હજુ પણ અવરોધિત છે.
આ ઉપરાંત મુનસ્યારી-મિલમ માર્ગ પણ બાંગડિયાર વિસ્તારમાં સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. પરિણામે 20થી વધુ ઉચ્ચ હિમાલયી સરહદી ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે જિલ્લામાં 16 ગ્રામ્ય માર્ગો બંધ રહેતાં એક લાખથી વધુ લોકોના જનજીવન પર સીધી અસર પડી છે.
ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવતાં વહીવટી તંત્ર અને BROની ટીમો યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કરવાની કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તથા જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.











