નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એલપીજી (LPG) ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ ગેસ કનેક્શન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવ્યા છે. નવા નિયમો મુજબ હવે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન ધરાવતા ગ્રાહકો પણ જરૂરિયાત મુજબ પોતાનું જૂનું LPG કનેક્શન ફરી શરૂ કરાવી શકશે.
અગાઉ PNG સેવા શરૂ થતાં જ ઘણા ગ્રાહકોને LPG કનેક્શન સરેન્ડર કરવું પડતું હતું. જોકે હવે સરકારે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે.
નવા નિયમો મુજબ PNG કનેક્શન મળ્યા બાદ ગ્રાહકો 30 દિવસની અંદર LPG કનેક્શન કાયમી ધોરણે બંધ કરી શકે છે અથવા ‘ટ્રાન્સફર વાઉચર’ મેળવી શકે છે. ભવિષ્યમાં જો તેઓ એવા વિસ્તારમાં રહેવા જાય જ્યાં PNG ઉપલબ્ધ ન હોય, તો આ વાઉચરના આધારે નવું કનેક્શન લીધા વગર જ જૂનું LPG કનેક્શન ફરી સક્રિય કરાવી શકશે.
આ નિર્ણયનો સૌથી વધુ લાભ વારંવાર ટ્રાન્સફર થતા કર્મચારીઓ, ભાડાના મકાનમાં રહેતા પરિવારો અને અભ્યાસ માટે શહેર બદલતા વિદ્યાર્થીઓને મળશે, કારણ કે હવે દરેક વખત નવું કનેક્શન લેવાની જરૂર રહેશે નહીં.
સરકારે કમર્શિયલ LPG ગ્રાહકોને પણ મોટી રાહત આપી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને કારણે લાગુ કરાયેલા પુરવઠા સંબંધિત નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. પરિણામે હોટલો, રેસ્ટોરન્ટો અને ઉદ્યોગોને હવે ફરીથી નિયમિત રીતે કમર્શિયલ LPG ઉપલબ્ધ થશે.
સરકારનું માનવું છે કે આ નવા નિયમોથી ગેસ વિતરણ વ્યવસ્થા વધુ સરળ બનશે અને ઘરેલું તેમજ વેપારી ગ્રાહકોને વધુ અનુકૂળતા મળશે.











