વડોદરા: શહેર નજીક આવેલા દશરથ ભરત એસ્ટેટમાં એક ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં સંગ્રહિત લાકડાના પેકિંગ મટીરીયલને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્વલનશીલ સામગ્રી વધુ હોવાથી આગે થોડા જ સમયમાં સમગ્ર ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ત્રણ બંબા સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોએ આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો.
આ દરમિયાન આસપાસના રહિશોએ ઇમારતોના ટેરેસ પરથી આગના ભયાનક દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલો માલસામાન બળીને ખાક થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.











