સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ચોમાસાની શરૂઆત સાથે જ કુદરતનું અદભૂત રૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની ઝરમર અને ઘેરા ધુમ્મસ વચ્ચે સમગ્ર વિસ્તાર મનોહર સૌંદર્યથી છલકાઈ ઉઠ્યો છે, જેના કારણે સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
તાજેતરમાં પડેલા વરસાદ બાદ સાપુતારાના ડુંગરો, ખીણો અને જંગલ વિસ્તારો લીલીછમ હરિયાળીથી છવાઈ ગયા છે. ધુમ્મસની જાડી ચાદર સમગ્ર પર્વતીય વિસ્તારને પોતાની આગોશમાં લઈ લેતાં જાણે સ્વર્ગીય દૃશ્ય સર્જાયું હોય તેવી અનુભૂતિ થાય છે.
સવારના સમયે વાદળો અને ધુમ્મસ વચ્ચે ડુંગરોની ટોચ ભાગ્યે જ દેખાય છે, જ્યારે ઠંડા પવનો અને વરસાદી વાતાવરણ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. સાપુતારા લેક, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ અને વિવિધ વ્યૂ પોઇન્ટ પરથી દેખાતા કુદરતી નજારા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
ચોમાસાની સિઝન શરૂ થતાં જ રાજ્યના વિવિધ શહેરોમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ સાપુતારા તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને કુદરતપ્રેમીઓ, ફોટોગ્રાફરો અને પરિવાર સાથે ફરવા આવનારા પ્રવાસીઓ માટે આ સ્થળ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે.
સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધતાં સાપુતારાનું સૌંદર્ય વધુ ખીલી ઊઠશે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.
કુદરતના ખોળામાં વસેલું સાપુતારા ચોમાસાના આગમન સાથે ફરી એકવાર ‘ગુજરાતનું સ્વર્ગ’ હોવાની ઓળખને સાર્થક કરી રહ્યું છે. ધુમ્મસ, હરિયાળી અને ઠંડા વાતાવરણનું અનોખું સંયોજન અહીં આવતા દરેક પ્રવાસીને યાદગાર અનુભવ આપી રહ્યું છે.











