‘ઓપરેશન ડેલ્ટા’માં મોટો ખુલાસો: સુરતમાં ઝડપાયેલા 129 બાંગ્લાદેશી નાગરિકો પાછળ સંગઠિત ઘૂસણખોરી રેકેટ સક્રિય

સુરત: સુરત પોલીસના વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ ઝડપાયેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસમાં સરહદ પાર કરાવવા માટે કાર્યરત એજન્ટો, ગુપ્ત રૂટ અને ભારતમાં ગેરકાયદેસર વસવાટની સમગ્ર પ્રક્રિયા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશથી ભારત સુધી ગેરકાયદેસર રીતે લોકોને લાવવા માટે સરહદી વિસ્તારોમાં સક્રિય એજન્ટો પ્રતિ વ્યક્તિ રૂ. 5 હજારથી 10 હજાર સુધીની રકમ વસૂલતા હતા. બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરના માર્ગો આ નેટવર્ક માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઉપયોગમાં લેવાતા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મોટાભાગના ઘૂસણખોરો રાત્રિના અંધારામાં સરહદ પાર કરતા હતા. કેટલાક સ્થળોએ નદીઓ મારફતે નાની હોડીઓનો ઉપયોગ કરીને પણ લોકોને ભારતમાં પ્રવેશ અપાતો હતો. સુરક્ષા દળોની નજરથી બચવા માટે એજન્ટો સતત પોતાના માર્ગો અને પદ્ધતિઓ બદલતા રહેતા હતા.

ભારતમાં પ્રવેશ્યા બાદ આ લોકો વિવિધ શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અને પોતાની ઓળખ છુપાવીને કચરો, ભંગાર એકત્રિત કરવા અથવા અન્ય અસંગઠિત કામધંધા કરીને જીવન નિર્વાહ કરતા હતા. તેમની પાસે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજો ન મળતા ગેરકાયદેસર પ્રવેશની પુષ્ટિ થઈ છે.

મોબાઇલ ફોનની તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ્સ અને અન્ય ડિજિટલ માહિતી મળી આવી છે. આ પુરાવાઓના આધારે પોલીસ હવે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા સ્થાનિક સંપર્કો અને સરહદી એજન્ટો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

હાલ તમામ 129 લોકોને રાંદેર સ્થિત ભિક્ષુકગૃહમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ, પૃષ્ઠભૂમિ અને સંભવિત નેટવર્ક કનેક્શનોની વધુ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસનું કહેવું છે કે આ કેસ માત્ર ગેરકાયદેસર ઘૂસણખોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ મોટા સંગઠિત રેકેટની સંભાવના પણ નકારી શકાય નહીં.

તપાસ એજન્સીઓ હવે સમગ્ર ચેઇનને તોડી પાડવા માટે રાજ્ય અને કેન્દ્રની વિવિધ સુરક્ષા સંસ્થાઓ સાથે સંકલન કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE