દાહોદ: આજના સમયમાં જ્યાં સ્વાર્થ અને દેખાડાની દોડ વધી રહી છે, ત્યાં દાહોદ જિલ્લામાં માનવતાનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. સંજેલી તાલુકાના ગરાડિયા ગામમાં રહેતા એક અતિ ગરીબ અને દિવ્યાંગ પરિવારને નવું આશિયાનું બનાવી આપીને શિક્ષક આગેવાન સુરતાનભાઈ કટારાએ સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું છે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરતાનભાઈ કટારાએ ગામમાં રહેતા નારસિંગભાઈ ડામોરના પરિવારની દયનીય સ્થિતિ જોઈ મદદનો હાથ લંબાવ્યો હતો. પરિવારના તમામ સભ્યો શારીરિક અને માનસિક અશક્તતાથી પીડાતા હોવાથી તેઓ જીવનનિર્વાહ માટે કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નહોતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પરિવાર વર્ષોથી લાકડાં, પ્લાસ્ટિક અને તાડપત્રીથી બનાવેલી કામચલાઉ ઝૂંપડીમાં રહેવા મજબૂર હતો. ચોમાસું, શિયાળો અને ઉનાળાની કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ મૂળભૂત સુવિધાઓ વગર જીવન પસાર કરી રહ્યા હતા.
પરિવારની આ હાલત જોઈ સુરતાનભાઈ કટારાએ પોતાના સ્વર્ગસ્થ પિતા જોતીભાઈ કટારાની સ્મૃતિમાં સેવા કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાના ખર્ચે સિમેન્ટના થાંભલા, પતરા, તાડપત્રી અને અન્ય જરૂરી સામગ્રીની મદદથી પરિવાર માટે સુરક્ષિત અને મજબૂત રહેણાંક વ્યવસ્થા ઉભી કરી આપી.
નવું ઘર મળતા પરિવારના સભ્યોના ચહેરા પર વર્ષો બાદ ખુશી જોવા મળી હતી. સ્થાનિક ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે સુરતાનભાઈ કટારાએ જણાવ્યું હતું કે સમાજમાં હજુ પણ અનેક એવા પરિવારો છે, જેઓ મદદની રાહ જોઈ રહ્યા છે. જન્મદિવસ, લગ્નતિથિ કે અન્ય પ્રસંગોમાં ખર્ચ કરવા કરતાં જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરવામાં આવે તો તે સાચા અર્થમાં ઉજવણી ગણાય.
તેમણે સમાજના આગેવાનો, સરકારી અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓને પણ આવા પરિવારોને શોધી તેમની મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. તેમનું આ કાર્ય સમગ્ર જિલ્લામાં માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.











