વડોદરા: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનને કારણે પ્લેટફોર્મ નંબર 5 અને 6 આગામી 1 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યા છે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો હેતુ ટ્રેન સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને ભવિષ્યમાં વધતા ટ્રાફિકને સરળતાથી સંભાળવાનો છે. જોકે, કામગીરી દરમિયાન મુસાફરોને કેટલીક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
આ કામના કારણે વડોદરા આવતી અને જતી કુલ 143 ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનેક ટ્રેનોને હવે વડોદરા જંક્શનના બદલે બાજવા, છાયાપુરી અને વિશ્વામિત્રી સ્ટેશનો પર રોકવામાં આવશે. જેના કારણે મુસાફરોએ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરવું જરૂરી બન્યું છે.
આ ઉપરાંત, એકતાનગરથી દોડતી કેટલીક સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા બદલાયેલા રૂટ અને સ્ટોપેજ અંગે મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુસાફરોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્ટેશન પર માર્ગદર્શન માટે વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને યોગ્ય માહિતી મળી રહે.
1 જુલાઈ સુધી ચાલનારી આ કામગીરીના કારણે હજારો મુસાફરોના રોજિંદા પ્રવાસ અને પૂર્વનિયોજિત કાર્યક્રમો પર અસર થવાની સંભાવના છે. રેલવે તંત્રે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ટ્રેનની સ્થિતિ, સ્ટોપેજ અને સમયપત્રક અંગેની માહિતી મુસાફરી પહેલાં ચકાસી લે.
વડોદરા રેલવે સ્ટેશન પર ચાલી રહેલું આ આધુનિકીકરણ કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રેન સંચાલનમાં વધુ ગતિ, સલામતી અને સુવિધા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











