રાજકોટ: શહેરમાં પાણી ચોરી અને પાણી પુરવઠા વ્યવસ્થામાં અનધિકૃત હસ્તક્ષેપ સામે રાજકોટ મહાનગરપાલિકાએ વધુ કડક વલણ અપનાવ્યું છે. વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલી બે હાઇરાઇઝ રહેણાંક સોસાયટીઓ સામે કાર્યવાહી કરીને મહાનગરપાલિકાએ રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.
મનપા દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંબંધિત બિલ્ડીંગોમાં મહાનગરપાલિકા દ્વારા નિયમિત પીવાના પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. તેમ છતાં કેટલાક સંચાલકો અને રહીશો દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી વિના પાણી સપ્લાય લાઇન પર આવેલા વાલ્વનું સ્વયં સંચાલન કરવામાં આવતું હતું.
મહાનગરપાલિકાના અધિકારીઓએ આ કૃત્યને પાણી પુરવઠાની વ્યવસ્થામાં ગેરકાયદે દખલગીરી ગણાવી હતી. આવા હસ્તક્ષેપના કારણે અન્ય વિસ્તારોમાં પાણીના વિતરણ પર અસર પડી શકે છે અને સમગ્ર સિસ્ટમની કાર્યક્ષમતા ખોરવાઈ શકે છે.
તપાસમાં અનિયમિતતાઓ સામે આવતા સંબંધિત બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ શાંતિવન એપાર્ટમેન્ટ અને શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટના પ્રમુખોએ મહાનગરપાલિકાના નિયમો અનુસાર ફટકારવામાં આવેલ રૂ. 1 લાખની દંડ રકમ જમા કરાવી હોવાનું તંત્રે જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાણી જેવી જીવનજરૂરી સુવિધા સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે નિયમભંગ સહન કરવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ શહેરભરમાં આવા કિસ્સાઓ સામે વિશેષ ચકાસણી અભિયાન ચાલુ રાખવામાં આવશે.
અધિકારીઓએ નાગરિકોને પાણીનો યોગ્ય અને જવાબદાર ઉપયોગ કરવાની અપીલ કરી છે. સાથે જ પાણી પુરવઠા સંબંધિત કોઈપણ ફેરફાર કે કામગીરી માટે મનપાની મંજૂરી લેવી ફરજિયાત હોવાનું પણ યાદ અપાવ્યું છે.











