અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા ચડાવાના નાણાંમાં કથિત ગેરરીતિના મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તૈયાર કરાયેલો પ્રારંભિક અહેવાલ આજે રાજ્ય સરકારને સોંપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલના આધારે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, SIT છેલ્લા કેટલાક દિવસોથી સતત દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનોની ચકાસણી કરી રહી છે. તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોના આધારે જો કોઈ વ્યક્તિની પ્રાથમિક જવાબદારી નક્કી થશે તો તેમની સામે FIR નોંધવામાં આવી શકે છે.
આ દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને દેશભરના ભક્તોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્ય બહાર લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કહ્યું છે કે તપાસ અહેવાલમાં જે હકીકતો સામે આવશે તેના આધારે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
તપાસનો વ્યાપ વધારતા SIT હવે ગેરરીતિના આક્ષેપો કરનારાઓના નિવેદનો પણ નોંધશે. માહિતી મુજબ, મહિપાલ, દીનાનાથ, આચાર્ય વિનોદ મિશ્રા, શશીચરણ શર્મા સહિત અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે, જેથી સમગ્ર મામલાની હકીકત સામે આવી શકે.
રામમંદિર દેશની કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી આ કેસને લઈને લોકોમાં પણ ભારે રસ જોવા મળી રહ્યો છે. હવે SITના રિપોર્ટ બાદ સરકાર અને તપાસ એજન્સીઓ કયા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.











