ભુજ: કચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાજર ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારોના વિકાસલક્ષી પ્રશ્નો, ખેડૂતોની સમસ્યાઓ, શૈક્ષણિક સુવિધાઓ અને પ્રાથમિક માળખાકીય જરૂરિયાતો અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓની સ્થિતિ અને અન્ય જરૂરી તૈયારીઓ અંગે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને કૃષિ સંબંધિત પ્રશ્નોને પણ બેઠકમાં વાચા આપી હતી.
તેમણે જિલ્લાના શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. બીજી તરફ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના વિસ્તાર માટે ટાઉનહોલ નિર્માણની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્થાનિક સ્તરે સરકારી કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
બેઠક દરમિયાન અબડાસા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે જમીન સંપાદન સાથે જોડાયેલા પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ધારાસભ્યોએ તંત્રને આ મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
અધિક કલેક્ટરે બેઠકમાં હાજર તમામ વિભાગીય અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સક્રિય અભિગમ અપનાવવાની સૂચના આપી હતી. તેમણે વિકાસ કાર્યોમાં ગતિ લાવવા અને પડતર અરજીઓનો સમયસર નિકાલ કરવા પર ભાર મૂક્યો હતો.
જોકે, જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતી આ બેઠકમાં ચાર ધારાસભ્યો અને સાંસદ ગેરહાજર રહ્યા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ત્રિકમ છાંગા અને માંડવીના અનિરુદ્ધ દવે બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. ઉપરાંત જિલ્લાના સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા નહોતા.
જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.











