અમરેલી: સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના ખેડૂત હિંમત સુહાગીયાની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગનો ચોંકાવનારો એંગલ સામે આવ્યો છે. કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ રાખી છે.
પોલીસ તપાસ મુજબ, 23 મેના રોજ ખેડૂત હિંમત સુહાગીયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાના અનુસંધાને હાથ ધરાયેલી તપાસમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને નાણાં માટે દબાણ કરવામાં આવતું હોવાના સંકેતો મળ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતની હિના નામની મહિલા સાથે મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી. બાદમાં આ વાતચીતના આધારે ખેડૂતને ફસાવીને મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓએ ખેડૂત પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી ખેડૂતે 80 હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સતત દબાણ અને માનસિક તણાવના કારણે ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની શંકા છે. કેસમાં સંડોવણીના આરોપસર રોહિત વેકરીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં પોલીસ હિના નામની મહિલા સહિત અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ સમગ્ર કાવતરામાં કેટલા લોકો સંકળાયેલા હતા અને ખેડૂતને કેવી રીતે બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કેસમાં મળતા પુરાવાના આધારે તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.











