ગોંડલ શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની લાલિયાવાડી અને નબળી કામગીરીને કારણે સ્થાનિક વીજ ગ્રાહકોમાં ભારે રોષ અને અસંતોષ ફાટી નીકળ્યો છે. ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જ વીજ ફોલ્ટ અને વારંવાર ગુલ થતી વીજળીની ફરિયાદો નોંધાવવા માટે ગ્રાહકોને રાડ પડી ગઈ છે. ગ્રાહકોનો ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ફોલ્ટ સેન્ટરના લેન્ડલાઇન નંબર પર ગમે એટલી વાર ફોન કરવા છતાં કોઈ રિસીવ કરતું નથી.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ફોલ્ટ સેન્ટરના સત્તાવાર નંબર (02825) 220077 પર જ્યારે પણ વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદ કરવા માટે કોલ કરવામાં આવે છે, ત્યારે કાં તો ફોન સતત વ્યસ્ત આવે છે અથવા રીંગ વાગવા છતાં કોઈ ઉપાડતું નથી. આક્ષેપ એવો પણ છે કે કર્મચારીઓ જાણીજોઈને ફોનનું રિસીવર નીચે મૂકી દે છે, જેથી કરીને ગ્રાહકોને માત્ર રેકોર્ડેડ ટોન જ સંભળાયા કરે. પરિણામે, કલાકો સુધી અંધારપટનો સામનો કરવા છતાં લોકો પોતાની ફરિયાદો સમયસર નોંધાવી શકતા નથી.
તંત્રની આ બેદરકારી અંગે જ્યારે ગ્રાહકોએ જાગૃત નાગરિક તરીકે ઉપરી અધિકારીના સત્તાવાર મોબાઈલ નંબર 9925209137 પર સંપર્ક સાધ્યો, ત્યારે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હતી. જવાબદાર અધિકારી દ્વારા ગ્રાહકોની સમસ્યા ઉકેલવાને બદલે અત્યંત ઉદ્ધત અને બિનજવાબદારીપૂર્વક એવું કહેવામાં આવ્યું કે, “ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા જ છે, જો કોઈ ફોન ન ઉપાડતું હોય તો તમારે રૂબરૂ આવીને ફરિયાદ આપી જવી.” અધિકારીના આવા ઉડાઉ અને નકારાત્મક વલણથી ગ્રાહકોમાં આક્રોશ બમણો થયો છે.
હવે જનતા એવા સવાલો ઉઠાવી રહી છે કે જો ફોલ્ટ સેન્ટર પર સીસીટીવી કેમેરાની દેખરેખ ગોઠવેલી જ છે, તો ફરજ પર બેદરકારી દાખવીને ફોન ન ઉપાડનારા જવાબદાર કર્મચારીઓ સામે આજ દિન સુધી કોઈ કડક પગલાં કેમ લેવાયા નથી? વળી, ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ જો સામાન્ય વીજ ફોલ્ટ જેવી નાની બાબતો માટે ગ્રાહકોએ રૂબરૂ ધક્કા ખાવા પડતા હોય, તો આ હેલ્પલાઇન નંબરો માત્ર કાગળ પર બતાવવા માટે જ રાખવામાં આવ્યા છે? સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાકીદે તપાસ થાય અને ફોન ન ઉપાડતા સ્ટાફ તેમજ બિનજવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
Post Views: 0











