વુમેન્સ T20 વર્લ્ડ કપ: વિજય રથ પર સવાર ‘વુમેન ઇન બ્લુ’, નેધરલેન્ડ્સને 95 રને હરાવી ભારતની વિસ્ફોટક જીત

વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનું દબદબાભર્યું પ્રદર્શન જાળવી રાખતાં ટૂર્નામેન્ટમાં સતત બીજી શાનદાર જીત નોંધાવી છે. લીડ્સના ઐતિહાસિક હેડિંગ્લે મેદાન પર રમાયેલી આ એકતરફી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનના વિશાળ અંતરથી કચડી નાખ્યું છે. ભારતીય ટીમની આ શાનદાર જીતની સુત્રધાર સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના રહી હતી, જેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. જ્યારે બોલિંગ વિભાગમાં શ્રી ચરાનીની આગ ઓકતી બોલિંગ સામે ડચ ટીમ સંપૂર્ણપણે લાચાર નજરે પડી હતી.

ઓપનિંગ જોડીનો તરખાટ: મંધાના અને શેફાલી વચ્ચે 115 રનની ભાગીદારી

મેચમાં ટોસ જીતીને નેધરલેન્ડ્સના કેપ્ટન બેબેટ ડી લીડે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભારતીય ઓપનર્સે તેમના આ નિર્ણયના લીરેલીરા ઉડાવી દીધા હતા. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારીને પ્રથમ વિકેટ માટે 115 રનની મજબૂત ભાગીદારી કરી હતી. મંધાનાએ માત્ર 47 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે શેફાલી વર્માએ 38 બોલમાં 55 રન ફટકારીને અડધી સદી નોંધાવી હતી.

ભારતે ખડક્યો 209 રનનો હિમાલય જેવો સ્કોર

પ્રથમ વિકેટની મજબૂત શરૂઆત બાદ જેમિમા રોડ્રિગ્સે 19, રિચા ઘોષે 20, યાસ્તિકા ભાટિયાએ 3, કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 અને દીપ્તિ શર્માએ 10 રનનું આક્રમક યોગદાન આપ્યું હતું. આ સાંઘિક પ્રદર્શનના જોરે ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. નેધરલેન્ડ્સ તરફથી કેરોલિન ડી લેંગે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે આઇરિસ ઝવિલિંગ, હીથર સીજર્સ અને માયર્થે વેન ડેન રાડે એક-એક વિકેટ મેળવી હતી.

શ્રી ચરાનીની ઘાતક બોલિંગ: નેધરલેન્ડ્સની ટીમ 114 રનમાં ઓલઆઉટ

210 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ડચ ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. નેધરલેન્ડ્સ તરફથી હીથર સીજર્સે 21 અને ફેબે મોલ્કેનબોઅરે 15 રન બનાવ્યા હતા. કેપ્ટન બેબેટ ડી લીડે 28 અને સ્ટેરે કાલિસે 18 રન જોડીને થોડો સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે સિવાયની કોઈ પણ બેટર બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શકી નહોતી અને સમગ્ર ટીમ 17.3 ઓવરમાં માત્ર 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી બોલિંગમાં તબાહી મચાવતા શ્રી ચરાનીએ પોતાની 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. શેફાલી વર્માએ બેટિંગ બાદ બોલિંગમાં પણ કમાલ કરતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નંદિની શર્માને 2 અને દીપ્તિ શર્માને 1 વિકેટ મળી હતી. બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સ્મૃતિ મંધાનાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ના એવોર્ડથી નવાજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE