‘હું પીએમ મોદી જેટલો કુલ નથી…’, G-7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

ફ્રાન્સના એવિયન શહેરમાં G-7 શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક મહાસંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના પ્રમુખ દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. બુધવારે યોજાયેલી આ સમિટ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી હતી, કારણ કે આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિથી લઈને દ્વિપક્ષીય વેપાર કરાર (ટ્રેડ ડીલ) સુધીના તમામ મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી. જોકે, આ સત્તાવાર બેઠક પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરીને એક મોટું નિવેદન આપ્યું હતું.

હું મોદી જેવો શાંત અને સ્થિર નથી: ટ્રમ્પ

મળતી માહિતી મુજબ, ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટમાં બુધવારે લંચ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરતા કહ્યું કે, પીએમ મોદી અત્યંત શાંત અને સંયમિત વ્યક્તિત્વ ધરાવે છે, જ્યારે હું તેમના જેટલો શાંત રહી શકતો નથી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે, “મોદી ‘કામ એન્ડ કુલ’ (Calm and Cool) છે. હું પીએમ મોદી જેટલો કુલ નથી.”

‘ભારત પર મુશ્કેલી આવશે તો અમે પૂરી તાકાતથી સાથે ઊભા રહીશું’

G-7 સમિટ દરમિયાન બંને નેતાઓ અત્યંત ઉષ્માભેર મળ્યા હતા. વૈશ્વિક મીડિયાની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે મોદીને ‘દુનિયાના સૌથી અઘરા વાટાઘાટકાર’ (ટફ નિગોશિયેટર), ‘સૌથી કૂલ લીડર’ અને ‘એન્જલ’ (દેવદૂત) જેવા વિશેષણો આપ્યા હતા. ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતને મોટી ખાતરી આપતા જાહેરાત કરી હતી કે, જો ક્યારેય પણ ભારત પર કોઈ સંકટ કે હુમલો થશે. તો અમેરિકા પોતાની પૂરી સૈન્ય અને રાજદ્વારી તાકાતથી ભારતની પડખે ઊભું રહેશે. તેમણે ઉમેર્યું કે પીએમ મોદી અને ભારત સાથે તેમની મિત્રતા અસીમિત છે અને આ દોસ્તીના નાતે તેઓ દરેક પરિસ્થિતિમાં ભારતને સાથ આપવાનું વચન આપે છે.

વૈશ્વિક નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત થવી જરૂરી: પીએમ મોદી

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ, ડિફેન્સ પાર્ટનરશિપ અને મિડલ ઈસ્ટના તણાવ પર વિગતવાર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિના પગલાંને આવકારતા કહ્યું કે, ઈરાન સાથેના વિવાદનો અંત આવવો તે સમગ્ર વિશ્વના હિતમાં છે અને ટ્રમ્પે આ દિશામાં પ્રશંસનીય કામ કર્યું છે. આ સાથે જ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પરથી પસાર થતા નાવિકોની સુરક્ષાનો મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો હતો. તેમણે ટ્રમ્પને આગ્રહ કર્યો કે ઈરાન સાથે ભવિષ્યમાં થનારા કોઈપણ કરારમાં વૈશ્વિક નાવિકોની સુરક્ષાની શરતનો અનિવાર્યપણે સમાવેશ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE