ગુજરાતમાં અસહ્ય બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઉત્તર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ, ભરૂચમાં દરિયો તોફાની

અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં અસહ્ય ઉકળાટ અને અકળાવનારા બફારા બાદ અંતે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

અમદાવાદ શહેરના નારોલ, વિશાલા, જીવરાજપાર્ક અને શ્યામલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ બગોદરા પંથકના મીઠાપુર અને સરલા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જગતનો તાત ખુશખુશાલ

  • બનાસકાંઠા: પાલનપુર, વાવ, થરાદ અને લાખણી પંથકમાં વાવણીલાયક ‘મેઘમહેર’ થતાં ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છે.

  • સાબરકાંઠા અને અરવલ્લી: હિંમતનગર, ઈડર તેમજ શામળાજીમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે.

  • ખેડા: નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પધરામણીથી ઠંડક પ્રસરી છે.

પંચમહાલમાં વીજળી ગુલ, ભરૂચના દરિયાકાંઠે તોફાની પવન

એક તરફ જ્યાં વરસાદથી ખુશી છે. ત્યાં બીજી તરફ કેટલાક વિસ્તારોમાં મુશ્કેલી પણ વધી છે:

  • ગોધરા: પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઝંઝાવાતી પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

  • ભરૂચ: જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને કારણે દરિયો તોફાની (Rough) બન્યો છે. તીવ્ર પવન અને વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા પણ વ્યાપી ગઈ છે.

આગામી આગાહી: બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 23 અને 24 જૂને બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે.જે પૂર્વ ભારતમાં ચોમાસાને વધુ વેગ આપશે.

અન્ય રાજ્યોની સ્થિતિ: અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખેંચાવાને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈમાં ચોમાસું ફરી જોર પકડશે. આ ઉપરાંત, 18 જૂનથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE