વિકાસના દાવાઓ વચ્ચે અંધશ્રદ્ધાનો નગ્ન નાચ: મહિલા પર ડાકણનો આરોપ લગાવી સામુહિક હુમલો કરનાર ૧૨ આરોપીઓની ધરપકડ; ચિઠોડા પોલીસની સરાહનીય કામગીરી
વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં જ્યારે માનવી મંગળ અને ચંદ્ર પર વસવાટ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામેથી માનવતાને શરમાવતી અને જાગૃત સમાજને હતપ્રત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર ‘ડાકણ’ હોવાની આશંકા અને અંધશ્રદ્ધાના કારણે એક જ પરિવાર પર પાઈપો, લાકડીઓ અને કુહાડી વડે સામુહિક હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં પત્નીને બચાવવા ગયેલા પતિ મનુભાઈ ડામોરનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય બે સદસ્યો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચિઠોડા પોલીસે ત્વરિત એક્શન લઈને હુમલો કરનાર ૮ પુરુષો અને ૪ મહિલાઓ સહિત કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક મનુભાઈ ડામોરના પરિવારના જણાવ્યા અનુસાર, સામા પક્ષના લોકોના મનમાં એવી દ્રઢ શંકા ઘર કરી ગઈ હતી કે મનુભાઈની પત્ની ‘ડાકણ’ છે અને તેના કારણે જ તેમના ઘરમાં બીમારી, બેરોજગારી અને આકસ્મિક આફતો આવી રહી છે. આ વ્હેમના ઉશ્કેરાટમાં આવીને ટોળાએ ધોકા, પાઈપ, પથ્થર અને કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે ડામોર પરિવાર પર તૂટી પડ્યા હતા. મૃતકની પુત્રવધુ રેણુકા ડામોર અને ભત્રીજા દિનેશ ડામોરે આ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો વર્ણવતા જણાવ્યું કે, હુમલાખોરો મનુભાઈને ઢસડીને ફળિયામાં લાવ્યા હતા અને માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા ઝીંક્યા હતા.
વિજ્ઞાન જાથાની એન્ટ્રી: બંને પરિવારો વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ
રાષ્ટ્રીય ચેનલ પર આ ઘટનાના અહેવાલો પ્રસારિત થતાં જ ભારત જન વિજ્ઞાન જાથા સક્રિય થઈ હતી. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાની આગેવાનીમાં એક વિશેષ ટીમ (જેમાં રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ સામેલ હતા) તાબડતોબ ગાડી વોકડા ગામે પહોંચી હતી. મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને જાથાએ સુરક્ષાની માંગ કરી હતી, જેના પગલે પાલ અને ચિઠોડા પોલીસ સ્ટેશનનો ચુસ્ત કાફલો ગામમાં તૈનાત કરાયો હતો.
“માનવી ચંદ્ર પર પહોંચી ગયો પણ ડાકણની માનસિકતા હજુ જીવતી છે એ શરમજનક છે. મહિલાઓ પર ડાકણનો આરોપ મૂકી અત્યાચાર કરવો એ કાનૂની અને સામાજિક અપરાધ છે. આ કુપ્રથા નાબૂદ કરવા માટે સરકારે હવે કડક અને અસરકારક પગલાં ભરવા જ પડશે.” – જયંત પંડ્યા (ચેરમેન, વિજ્ઞાન જાથા)
વિજ્ઞાન જાથાની ટીમે પીડિત ડામોર પરિવારની મુલાકાત લઈ મૃતક મનુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામના સરપંચ નાગજીભાઈ નિનામાએ પણ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે.
આરોપી પક્ષમાં અફસોસ અને આઘાત
આગળ કોઈ મોટો ઝઘડો ન વધે તે માટે જાથાની ટીમે સામા પક્ષના લોકો સાથે પણ સંવાદ સાધ્યો હતો. ૧૨ લોકોની ધરપકડ બાદ ઘરમાં ચિંતાતુર બચેલા સભ્યોએ હાથ જોડીને અફસોસ વ્યક્ત કર્યો હતો કે શંકા-કુશંકા અને ક્ષણિક ઉશ્કેરાટમાં આ મોટી ભૂલ થઈ ગઈ છે, જેનો તેમને ભારે પસ્તાવો છે. જાથાની ટીમે રસ્તામાં વાહનો રોકીને પણ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી અને અંધશ્રદ્ધા વિરોધી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
પોલીસ પ્રશાસનની સરાહનીય ભૂમિકા
આ તણાવપૂર્ણ સ્થિતિમાં ચિઠોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) મેડમ આર. ડી. તરાલ અને તેમની ટીમે સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી લીધી હતી. જાથાની ટીમે આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના ડી.જી.પી., રેન્જ આઈ.જી., સાબરકાંઠા એસ.પી. અને પી.આઈ. તરાલનો વિશેષ આભાર માન્યો હતો.
સમાજ માટે એક ગંભીર ચેતવણી
આ ઘટના માત્ર એક પરિવાર પરનો હુમલો નથી પરંતુ સમગ્ર સમાજની વિચારસરણી પર એક મોટો સવાલ છે. પોશીના અને વિજયનગર જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના અભાવે આવી કુપ્રથાઓ આજે પણ નિર્દોષોનો ભોગ લઈ રહી છે. સાચો વિકાસ માત્ર પાકા રસ્તાઓ કે આધુનિક ગેજેટ્સથી નહીં, પણ સમાજની રૂઢિચુસ્ત માનસિકતા બદલાશે ત્યારે જ થશે.
📢 જાહેર અપીલ: ‘ડાકણ’ શબ્દપ્રયોગ કરવો એ કાનૂની ગુનો છે. જો કોઈ મહિલા પર આ પ્રકારનો સામાજિક બહિષ્કાર કે અત્યાચાર થતો જોવા મળે, તો પુરાવા સાથે વિજ્ઞાન જાથાના સંપર્ક નંબર 98252 16689 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.
Post Views: 26












