વડાપ્રધાન મોદીએ મંત્રીઓ સાથે કરી મહાબેઠક, મિડલ ઈસ્ટ સંકટ સહિત આ મોટા મુદ્દાઓ પર બની રણનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવાર સાંજે મંત્રીપરિષદની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી બેઠક યોજાઈ હતી. આશરે સાડા ચાર કલાક સુધી ચાલેલી આ મહાબેઠકમાં સરકારની કામગીરીની મિડ-ટર્મ રિવ્યુ’ (મધ્યગાળાની સમીક્ષા) કરવામાં આવી હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવાના બરાબર પહેલા યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રીઓ અને રાજ્યમંત્રીઓ સામેલ થયા હતા. આ વર્ષની આ પ્રથમ સંપૂર્ણ કેબિનેટ બેઠકમાં દેશની પ્રગતિ, મંત્રાલયોની કામગીરીની સમીક્ષા અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

9 મંત્રાલયોએ આપ્યું પ્રેઝન્ટેશન

સાંજે 5 વાગ્યે ‘સેવા તીર્થ’માં શરૂ થયેલી આ બેઠકમાં 9 મુખ્ય મંત્રાલયોએ પોતાની કામગીરીનો હિસાબ-કિતાબ રજૂ કર્યો હતો. સૌથી પહેલા કોમર્સ (વાણિજ્ય) મંત્રાલયે પ્રેઝન્ટેશન આપ્યું, જેના પછી પેટ્રોલિયમ, ગૃહ, નાણાં અને વિદેશ મંત્રાલય જેવા મોટા વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. મંત્રાલયોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ પોતાના સુધારાઓને ચાર મુખ્ય ભાગોમાં વહેંચીને રજૂ કરે:

  1. કાયદામાં ફેરફાર

  2. નિયમોમાં ફેરફાર

  3. નીતિમાં ફેરફાર

  4. કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર

આ સાથે જ મંત્રીઓએ એ પણ જણાવવાનું હતું કે આ ફેરફારોથી સામાન્ય જનતાના જીવન પર શું સકારાત્મક અસર પડી છે.

2047નો વિઝન અને ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે. પીએમએ ‘ઈઝ ઓફ લિવિંગ’ એટલે કે સામાન્ય લોકોના જીવનને વધુ સરળ બનાવતા સુધારાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. બેઠકમાં મોટી સરકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિની સમીક્ષા કરવામાં આવી અને મંત્રાલયો વચ્ચે પરસ્પર તાલમેલ બહેતર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.

મિડલ ઈસ્ટ સંકટ અને ભારતીય ઈકોનોમી પર ચર્ચા

બેઠકમાં મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા તણાવ અને તેની ભારતની અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસર અંગે પણ ગંભીર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ મંત્રીઓને નિર્દેશ આપ્યા કે આ સંકટની અસર દેશના નાગરિકો પર ઓછામાં ઓછી પડે, તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. બેઠકમાં ખાસ કરીને આ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું:

  • એનર્જી (ઊર્જા)

  • ખેતી અને ખાતર

  • એવિએશન (વિમાનન)

  • શિપિંગ અને લોજિસ્ટિક્સ

અત્રે નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં મંત્રીઓનું એક જૂથ આ સંકટ પર સતત નજર રાખી રહ્યું છે. જોકે દક્ષિણ કોરિયાના પ્રવાસે હોવાને કારણે તેઓ આ બેઠકમાં સામેલ થઈ શક્યા નહોતા. બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ જિનીવામાં હોવાને કારણે બેઠકમાં હાજર નહોતા. બેઠકના અંતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન મોદીની તાજેતરની પાંચ દેશોની મુલાકાત અને તેનાથી મળેલી રાજદ્વારી સફળતાઓની માહિતી પણ મંત્રીઓ સાથે શેર કરી હતી.

વિદેશ મંત્રીએ આપી પીએમના 5 દેશોના પ્રવાસની માહિતી

આ હાઈ-લેવલ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓને વડાપ્રધાન મોદીના તાજેતરમાં જ યોજાયેલા પાંચ દેશોના અત્યંત સફળ વિદેશ પ્રવાસ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું કે આ રાજદ્વારી પ્રવાસથી ભારતે કઈ-કઈ મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને આગામી સમયમાં વૈશ્વિક સ્તરે દેશ માટે આગળની શું રણનીતિ અને રસ્તાઓ તૈયાર થયા છે. પીએમ મોદીના આ પ્રવાસને દેશના આર્થિક અને વ્યૂહાત્મક હિતોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE