શિક્ષણના નામે ક્રૂર મજાક: સિંગવડના કાળીયારાઈ ગામમાં 6 નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કર્યા બાદ ૭ મહિનાથી કામ ઠપ્પ, 300થી વધુ બાળકોનું ભવિષ્ય અંધકારમાં

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિંગવડ તાલુકાના કાળીયારાઈ ગામની પ્રાથમિક શાળામાં કરોડોના ખર્ચે નવીન ઓરડાઓ મંજૂર તો થયા, પરંતુ ખાતમુહૂર્ત થયાના 7 મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી ઈંટ પણ મૂકવામાં આવી નથી. બીજી તરફ, જૂની શાળા તોડી પડાતા હાલ 300થી વધુ નિર્દોષ બાળકો ખુલ્લામાં અથવા વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ ભણવા મજબૂર બન્યા છે.

78 લાખના ખર્ચે ખાતમુહૂર્ત થયું, પણ કામ અધ્ધરતાલ

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળીયારાઈ ગામની ધોરણ 1થી 8 ની સરકારી પ્રાથમિક શાળા માટે રૂ. 78 લાખના ખર્ચે ૬ નવીન ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત તારીખ 15/10/2025 ના રોજ દાહોદ જિલ્લાના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે, કાળીયારાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા ગામના અગ્રણીઓની હાજરીમાં આ ઓરડાઓનું ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને આશા હતી કે બાળકોને વહેલી તકે પાકા અને આધુનિક ઓરડા મળશે. પરંતુ આ આશા હવે આક્રોશમાં ફેરવાઈ ગઈ છે.

જૂના ઓરડા તોડી નાખ્યા, હવે બાળકો ક્યાં જાય?

ગ્રામજનોના જણાવ્યા મુજબ, જ્યારે ઓક્ટોબર મહિનામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ઉત્સાહમાં આવીને શાળાના ધોરણ 1 થી 8 ના જૂના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની લાલિયાવાડી એવી છે કે, જૂનું બાંધકામ તોડી નાખ્યા પછી આજદિન સુધી નવા ઓરડાનું બાંધકામ શરૂ જ કરાયું નથી. છેલ્લા 7 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ પડ્યું છે.

હવે જ્યારે ચોમાસાની સિઝન માથે આવીને ઊભી છે. ત્યારે શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં અને ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવું પડી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદ શરૂ થતાં આ બાળકોના શિક્ષણ પર ગંભીર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક યુવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ

આ ગંભીર સમસ્યાને લઈને સિંગવડ તાલુકાના મુનાવાણી ગામના રહેવાસીઓ મેલડી સરકાર નિરંજનભાઈ ભાવિનભાઈ અને ડામોર સાગરભાઈ મહેશભાઈ તેમજ કાળીયારાઈ ગામના સ્થાનિક યુવા મિત્ર ગૌદિયા યોગેશભાઈ ભરતભાઈ સહિતના જાગૃત યુવાનો અને સમસ્ત ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે.

ગ્રામજનોની સરકારશ્રીને આખરી ચેતવણી:

“અમે સરકારશ્રી અને સંબંધિત શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે, કાળીયારાઈ ગામના માસૂમ બાળકોના ભવિષ્યનો વિચાર કરીને આ 6 ઓરડાનું બાંધકામ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. જો વહેલી તકે કામ શરૂ કરીને બાળકોને યોગ્ય સુવિધા નહીં અપાય, તો સમસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. જેની સંપૂર્ણ જવાબદારી શાસકો અને વહીવટી તંત્રની રહેશે.”

Leave a Comment

READ MORE

READ MORE