જો તમારી સવારની શરૂઆત ચા અને બિસ્કિટ વગર અધૂરી રહેતી હોય, તો હવે તમારે તમારા ખિસ્સા પર વધુ ભાર સોસવા તૈયાર રહેવું પડશે. પશ્ચિમ એશિયા (મિડિલ ઈસ્ટ)માં ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર આંતરરાષ્ટ્રીય ચિંતાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની આંચ હવે તમારા રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી બિસ્કિટ ઉત્પાદક કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries) એ તેના ઉત્પાદનોના ભાવ વધારવા અને પેકેટનું વજન ઘટાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો..
ભાવ વધારાનું ગણિત: શું બદલાશે?
બ્રિટાનિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રક્ષિત હરગવેએ રોકાણકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે કંપની આ ત્રિમાસિક ગાળાથી ભાવમાં ધીમે-ધીમે વધારો કરવા જઈ રહી છે:
-
મોટા પેકેટ્સ: 10 રૂપિયાથી વધુની કિંમતવાળા બિસ્કિટના પેકેટો હવે મોંઘા થશે.
-
નાના પેકેટ્સ: 5 અને 10 રૂપિયાવાળા પેકેટની કિંમત સ્થિર રાખવામાં આવશે, પરંતુ તેની અંદર મળતા બિસ્કિટની માત્રા (ગ્રામ) ઘટાડવામાં આવશે. જેને માર્કેટિંગની ભાષામાં ‘શ્રિંકફ્લેશન‘ (Shrinkflation) કહેવામાં આવે છે.
કંપનીના આ નિર્ણય પાછળનું કારણ તાજેતરના નાણાકીય પરિણામો છે. ચોથા ત્રિમાસિક ગાળામાં નફો 21% વધ્યો હોવા છતાં, કુલ આવક (₹4,686 કરોડ) બજારની અપેક્ષા કરતા ઓછી રહી છે. જેના કારણે કંપનીના શેરમાં 4%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
યુદ્ધ અને મોંઘવારી વચ્ચેનો સંબંધ
તમને પ્રશ્ન થાય કે વિદેશમાં ચાલતા યુદ્ધની અસર બિસ્કિટ પર કેમ પડી? તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
-
કાચો માલ: બિસ્કિટ બનાવવામાં વપરાતા પામ ઓઈલ અને પેકેજિંગ મટીરિયલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
-
સપ્લાય ચેઈન: મિડિલ ઈસ્ટમાં તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ છે.જેનાથી ટ્રાન્સપોર્ટેશન અને માલભાડાના ખર્ચમાં વધારો થયો છે.
-
આંતરરાષ્ટ્રીય વેપાર: હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં અવરોધોને કારણે કંપની વિદેશમાં માલ મોકલી શકી નથી.જેનાથી તેના ગ્લોબલ બિઝનેસને પણ ફટકો પડ્યો છે.
ગ્રામીણ બજાર અને હરીફાઈનો પડકાર
બ્રિટાનિયાના કુલ વેચાણનો 60-65% હિસ્સો 5 અને 10 રૂપિયાના નાના પેકેટોમાંથી આવે છે. હાલમાં બજારમાં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે:
-
કેટલીક હરીફ કંપનીઓએ 5 અને 10 રૂપિયાના બદલે 50 અને 9 રૂપિયામાં બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું છે.
-
વધારે નફાની લાલચમાં દુકાનદારો અન્ય કંપનીઓનો માલ વધુ રાખી રહ્યા છે.જેના કારણે બ્રિટાનિયાના વેચાણની ગતિ થોડી ધીમી પડી છે.
જોકે, કંપનીને વિશ્વાસ છે કે જ્યારે અન્ય કંપનીઓ ફરી 5 અને 10 રૂપિયાના ભાવ પર આવશે. ત્યારે બ્રિટાનિયાનું વેચાણ ફરી તેજી પકડશે. અત્યારે કંપનીનું ઈ-કોમર્સ અને શહેરી વેચાણ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.આગામી 5 મહિના માટે કંપનીએ પામ ઓઈલના સોદા અગાઉથી નક્કી કરી લીધા છે.. પરંતુ લાંબા ગાળે નફો જાળવી રાખવા માટે ગ્રાહકોએ હવે બિસ્કિટ માટે વધુ કિંમત ચૂકવવી પડશે અથવા ઓછા બિસ્કિટથી સંતોષ માનવો પડશે.
Post Views: 86











