છોટાઉદેપુર જિલ્લાના ધારસિમેલ ગામમાં ગત રાત્રે આગની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.ગામના હીમો ફળિયામાં રહેતા આદિવાસી પરિવારના રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.
આ પણ વાંચો…
પૈસા પૂરા પણ બિસ્કિટ ઓછા! સાત સમંદર પારના યુદ્ધે ભારતીયોના નાસ્તાનો સ્વાદ બગાડ્યો
ઘટનાની વિગતો:
ધારસિમેલ ગામના હીમો ફળિયામાં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈ અને દહરીયા ભાઈના મકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ઘર લપેટમાં આવી ગયું હતું.
-
નુકસાન: ઘરમાં રાખેલું તમામ અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ આગમાં સંપૂર્ણપણે નાશ પામી છે.
-
સ્થાનિકોની મદદ: આગ લાગતા જ આસપાસના ગ્રામજનોએ એકઠા થઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બધું જ બળીને રાખ થઈ ગયું હતું.
-
રાહત: સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જે એક મોટી રાહતની વાત છે.
પરિવારની લાચારી અને સહાયની માંગ:
આગની આ ઘટનાએ આદિવાસી પરિવારને પાયમાલ કરી દીધો છે. કાળઝાળ ગરમી વચ્ચે પોતાનું છત્ર ગુમાવી બેઠેલો પરિવાર અત્યારે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યો છે. પીડિત પરિવારે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે વહેલી તકે સર્વે કરી, યોગ્ય વળતર અને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવા માટે આજીજી કરી છે.
અહેવાલ: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 0











