પશ્ચિમ બંગાળ ચૂંટણી: ફલતા બેઠકનું મતદાન રદ, તમામ મતદાન મથકો પર 21 મેના રોજ ફરી મતદાનના આદેશ; ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠકનું મતદાન રદ કરી દીધું છે. પંચે ફલતા વિધાનસભા વિસ્તારના તમામ 285 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ જારી કર્યો છે..હવે અહીં 21 મેના રોજ ફરી મતદાન થશે.. અને 24 મેના રોજ આ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવશે.ફરીથી મતદાનની પ્રક્રિયા 21 મે 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે યોજાશે.

ફલતામાં 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ફલતા બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં મુખ્યત્વે:

  • TMC: જહાંગીર ખાન

  • BJP: દિબાંગશુ પાંડા

  • કોંગ્રેસ: અબ્દુર રઝાક મોલ્લા

  • CPI(M): સંભુ નાથ

  • આ સિવાય બે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.

ચૂંટણી પંચને મળી હતી ગેરરીતિની ફરિયાદ

ભાજપે ફલતામાં સંપૂર્ણપણે ફરીથી મતદાન કરવાની માંગ કરી હતી.144-ફલતા વિધાનસભા ક્ષેત્રમાં 29 એપ્રિલ 2026ના રોજ મોટી સંખ્યામાં મતદાન મથકો પર ગંભીર ગેરરીતિઓ અને લોકશાહી પ્રક્રિયામાં અવરોધ ઊભો થવાની ઘટનાઓને ધ્યાને લઈ ચૂંટણી પંચે આ મોટો નિર્ણય લીધો છે. પંચે નિર્દેશ આપ્યો છે કે, તમામ 285 મતદાન મથકો (સહાયક મથકો સહિત) પર ફરી મતદાન થશે. મતોની ગણતરી 24 મે 2026ના રોજ હાથ ધરવામાં આવશે.

બીજા તબક્કાના મતદાન દરમિયાન ફલતા મતવિસ્તારના અનેક બૂથ પર ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. દેબીપુર (બૂથ સંખ્યા 177) પર વિવાદ વધુ ઘેરો બન્યો હતો..જ્યાં ભાજપના ઉમેદવાર દિબાંગશુ પાંડા અને અનેક મતદારોએ આરોપ લગાવ્યો હતો કે, EVM પર ભાજપના બટનને સફેદ ટેપથી ઢાંકી દેવામાં આવ્યું હતું..જેથી મતદારો પક્ષની પસંદગી કરી શકતા નહોતા.

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર ધમકી આપવાના આરોપ

આ પહેલા શનિવારે ફલતામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તેમને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો તરફથી ધમકીઓ મળી રહી છે.

ડાયમંડ હાર્બર અને મગરાહટના 15 બૂથ પર શનિવારે મતદાન થયું

ચૂંટણી પંચે અગાઉ શુક્રવારે ડાયમંડ હાર્બર અને મગરાહટના અનેક બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો..આ આદેશ બાદ શનિવારે ડાયમંડ હાર્બર અને મગરાહટ પશ્ચિમના 15 મતદાન મથકો પર ફરીથી મતદાન થયું હતું.

Leave a Comment

READ MORE

READ MORE