દાદાની ઉંમરના દુકાનદારની હલકી હરકત: 11 વર્ષની માસૂમની છેડતી કરતા મહિલાઓનો ફૂટ્યો જ્વાળામુખી, પોલીસની હાજરીમાં જ નરાધમને ચપ્પલ વડે ફટકાર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે.આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી, દાદાની ઉંમરના એક વિકૃત દુકાનદારે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, બાળકીની હિંમત અને પરિવારની સતર્કતાને કારણે આ નરાધમ હવે જેલના સળિયા ગણી રહ્યો છે.

ભારે જનાક્રોશ: પોલીસ વેનમાંથી ઉતારતા જ મહિલાઓએ મેથીપાક આપ્યો

આજે જ્યારે અમરોલી પોલીસ આરોપી દિનેશ રામાણીને ઘટના સ્થળે ‘રિકન્સ્ટ્રક્શન’ (બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ) માટે લાવી, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. આરોપીને જોતા જ સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો. ઉશ્કેરાયેલી મહિલાઓએ પોલીસની સુરક્ષા વચ્ચે પણ આરોપીને લાતો અને ચપ્પલ વડે ફટકારી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે, પોલીસને પણ આરોપીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ઘટનાની વિગત: ‘વાળ સરખા કરી આપું’ કહી કરી છેડતી

અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી’ નામની દુકાન ચલાવતો 56 વર્ષીય દિનેશ જીવરાજભાઈ રામાણી (મૂળ જૂનાગઢનો રહેવાસી) ગઈકાલે બપોરે દુકાને હાજર હતો.

  • આ સમયે એક 11 વર્ષની બાળકી ત્યાં આલુપુરી લેવા ગઈ હતી.

  • દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાનો લાભ ઉઠાવી નરાધમે બાળકીને વાતોમાં ભોળવી ટેબલ પર બેસાડી હતી.

  • તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું” તેમ કહી બાળકીને નજીક બોલાવી તેની સાથે અશ્લીલ હરકતો અને શારીરિક છેડછાડ કરી હતી.

પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ

બનાવની જાણ થતા જ બાળકીની માતાએ હિંમત દાખવી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તુરંત જ દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, આ વિકૃત માનસ ધરાવતા આધેડે અગાઉ પણ અન્ય બાળકીઓ સાથે આવી હરકતો કરી હોઈ શકે છે. હાલમાં પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે…આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે..પરંતુ મહિલાઓએ દાખવેલા આક્રોશે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે નરાધમોની ખેર નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE