અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેના પરમાણુ કાર્યક્રમ અંગે ટૂંક સમયમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો અમેરિકા વધુ કડક વલણ અપનાવશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેઓ એક એસોલ્ટ રાઈફલ પકડેલા જોવા મળે છે અને સાથે લખ્યું છે, ‘હવે બહુ થયું, મિસ્ટર નાઈસ ગાય‘ (No more Mr. Nice Guy).
ટ્રમ્પે વાતચીતની ધીમી ગતિ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, “ઈરાન પોતાની બાબતોને યોગ્ય રીતે સંભાળી શકતું નથી.” તેમણે ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ઉમેર્યું, “તેમને ખબર જ નથી કે પરમાણુ રહિત કરાર પર હસ્તાક્ષર કેવી રીતે કરવા.”
પરમાણુ મુદ્દાનો ઉકેલ જરૂરી
ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે આ ક્ષેત્રમાં તણાવ વધેલો છે અને રાજદ્વારી મડાગાંઠ ચાલુ છે. ટ્રમ્પની આ પોસ્ટ સંકેત આપે છે કે જો તેહરાન (ઈરાન), વોશિંગ્ટન દ્વારા પ્રસ્તાવિત શરતોનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.તો અમેરિકા સંભવિતપણે વધુ આક્રમક નીતિ અપનાવી શકે છે. ટ્રમ્પે તેહરાનની તાજેતરની રાજદ્વારી પહેલ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે અને ભાર પૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી પરમાણુ મુદ્દાનો સીધો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી વોશિંગ્ટન વાતચીત આગળ વધારશે નહીં.
ઈરાનના પ્રસ્તાવથી અમેરિકા ખુશ નથી
હાલમાં, ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ખોલવાનો અને જંગ ખતમ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે, અમેરિકા આ પ્રસ્તાવને લઈને નાખુશ છે અને ટ્રમ્પ તેનાથી સંતુષ્ટ દેખાતા નથી. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે, ઈરાનનો પ્રસ્તાવ અગાઉ કરતા સારો છે પરંતુ કોઈ પણ સમજૂતી એવી હોવી જોઈએ જેનાથી ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો આખી દુનિયા બંધક બની જશે.
ટ્રમ્પે પોતાની ટીમને આપ્યા નિર્દેશ
અહેવાલો અનુસાર, ટ્રમ્પે પોતાની ટીમને ઈરાનની સતત ઘેરાબંધી કરવાની યોજના બનાવવા નિર્દેશ આપ્યો છે. આ એક એવી વ્યૂહરચના છે જે ઈરાનના બંદરો સુધીની દરિયાઈ પહોંચને સખત રીતે નિયંત્રિત કરીને તેની અર્થવ્યવસ્થા અને તેલ નિકાસને પંગુ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ મુજબ, રાષ્ટ્રપતિ આ ઘેરાબંધીને હવાઈ બોમ્બમારો અથવા સંપૂર્ણ રીતે અલગ થવાની નીતિની સરખામણીમાં વધુ અસરકારક અને ઓછું જોખમી વિકલ્પ માને છે.
Post Views: 32










