શું ધરાશાયી થશે મમતાનો ગઢ? 4 એક્ઝિટ પોલમાં બંગાળમાં ભાજપની બમ્પર જીત; જાણો TMCને કેટલી બેઠકો મળી રહી છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. તેણે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે.15 વર્ષથી સત્તા પર કાબિજ મમતા બેનર્જીના ‘અજેય’ કિલ્લામાં આ વખતે ગાબડું પડતું દેખાય છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સનું અનુમાન છે કે, બંગાળમાં આ વખતે ‘કેસરી લહેર’ ચાલી રહી છે અને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવી શકે છે.

કોના ફાળે કેટલી બેઠકો?

બંગાળની 294 બેઠકો માટે આવેલા તારણોમાં ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે:

  • PMarq એક્ઝિટ પોલ: ભાજપને સૌથી વધુ 150 થી 175 બેઠકો મળી શકે છે, જ્યારે TMC 118 થી 138 બેઠકો વચ્ચે સમેટાઈ શકે છે.

  • ચાણક્ય સ્ટ્રેટેજીઝ: ભાજપની જીતનો દાવો કરતા 150 થી 160 બેઠકો આપી છે, જ્યારે TMCને 130-140 બેઠકો સાથે બીજા નંબરે રાખ્યું છે.

  • Matrize એક્ઝિટ પોલ: ભાજપને 146 થી 161 અને TMCને 125 થી 140 બેઠકો મળવાનું અનુમાન છે.

  • પોલ ડાયરી: ભાજપને 142 થી 171 બેઠકો અને TMCને 99 થી 127 બેઠકો મળી શકે છે.

  • JVC એક્ઝિટ પોલ: TMCને 131 થી 152 બેઠકો અને ભાજપને 138 થી 159 બેઠકો વચ્ચે ટક્કર બતાવી છે.

TMC ની જીતનું અનુમાન: બીજી તરફ, બે એક્ઝિટ પોલે TMCની જબરદસ્ત જીતની આગાહી કરી છે. પીપલ્સ પલ્સ એ TMCને 177 થી 187 બેઠકો અને જનમત પોલ્સ એ TMCને 195 થી 205 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

મોદી-શાહનું ‘મિશન બંગાળ’ શું રંગ લાવ્યું?

ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે ભ્રષ્ટાચાર અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે મમતા સરકારને જોરદાર ઘેરી હતી.બીજી તરફ, TMCને આશા છે કે, તેમની કલ્યાણકારી યોજનાઓ અને મહિલા મતદારો તેમને 2021ની જેમ ફરીથી જીત અપાવશે.

90% થી વધુ મતદાન – પરિવર્તનનો સંકેત?

આ વખતે બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. અહીં લગભગ 90% થી વધુ મતદાન થયું છે. ભાજપ આ ભારે મતદાનને પરિવર્તનના સંકેત તરીકે જોઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થયું હતું.

શું ફરી ખોટા સાબિત થશે એક્ઝિટ પોલ?

નોંધનીય છે કે, વર્ષ 2021માં પણ ઘણા એક્ઝિટ પોલે રસાકસીભરી ટક્કર બતાવી હતી.પરંતુ ‘દીદી’ એ 215 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે ભાજપને 77 બેઠકો મળી હતી અને તે પ્રથમ વખત બંગાળમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. શું આ વખતે પણ કોઈ મોટો ‘ખેલા’ (રમત) થવાનો છે? આ ચિત્ર 4 મે ના રોજ પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.

Leave a Comment

READ MORE

READ MORE