6 કલાકમાં મેરઠથી પ્રયાગરાજ,પૂર્વ-પશ્ચિમ UP કનેક્ટ…ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પર PM મોદી શું બોલ્યા?

ઉત્તરપ્રદેશના હરદોઈમાં આજે વડાપ્રધાન મોદીએ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડ્રીમ પ્રોજેક્ટ ગંગા એક્સપ્રેસવેને તેમણે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. સાથે જ તેમણે ગંગા એક્સપ્રેસવેને ઉત્તર પ્રદેશના વિકાસની નવી લાઇફલાઇન ગણાવી હતી, કારણ કે 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશને અંદરોઅંદર જોડશે. તે મેરઠથી પ્રયાગરાજ વચ્ચેનું અંતર માત્ર 6 કલાકમાં કાપશે અને રાજ્યના અનેક જિલ્લાઓ તથા ગામડાઓને એકબીજા સાથે જોડશે.

થોડા જ કલાકોમાં બાબા વિશ્વનાથના દર્શન કરી શકાશે

ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશને એક્સપ્રેસવેનું વરદાન મળ્યું એ મા ગંગાના જ આશીર્વાદ છે. હવે લોકો ગણતરીના કલાકોમાં સંગમ (પ્રયાગરાજ) સુધી જઈ શકશે. કાશીમાં પણ બાબા વિશ્વનાથના દર્શન કરીને આવવા-જવાનું સરળ બનશે. આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના વિકાસની નવી ભાગ્યરેખા બનશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, “છેલ્લા 4-5 દિવસથી હું મા ગંગાના સાનિધ્યમાં જ રહ્યો છું. પહેલા બંગાળમાં મા ગંગાના દર્શન કર્યા અને ગઈકાલથી હું કાશીમાં હતો.”

મા ગંગાના નામે એક્સપ્રેસવે એ સુખદ અનુભૂતિ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મા ગંગાના કિનારે બનેલા ગંગા એક્સપ્રેસવેની શરૂઆત કરી રહ્યો છું. હું યોગી આદિત્યનાથની સરકારને અભિનંદન આપું છું કે તેમણે તેનું નામ મા ગંગાના નામ પર રાખ્યું છે. નામ સાંભળીને જ સુખદ અનુભૂતિ થાય છે. ભગવાન નરસિંહની ભૂમિને આજે પ્રણામ કરીને ગંગા એક્સપ્રેસવે સમર્પિત કરું છું. જ્યાં હું ઊભો છું.ત્યાંથી થોડા જ કિલોમીટર દૂર મા ગંગા કૃપા વરસાવતી વહે છે. તેથી આ આખો વિસ્તાર અત્યંત મહત્વનો છે અને મા ગંગાની કૃપાથી ફૂલીફાલી રહ્યો છે.”

સંબોધનમાં બંગાળ વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ

પોતાના ભાષણના અંતમાં વડાપ્રધાન મોદીએ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બંગાળમાં અત્યારે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સમાચાર મળ્યા છે કે ભારે મતદાન થઈ રહ્યું છે. છેલ્લા 6-7 દાયકામાં જે નહોતું થયું અને જેની કલ્પના પણ નહોતી કરી શકાતી, એવા નિર્ભય વાતાવરણમાં આ વખતે બંગાળમાં મતદાન થઈ રહ્યું છે. લોકો ભયમુક્ત થઈને વોટ આપી રહ્યા છે અને આ લોકશાહીનું પ્રતિક છે. હજુ મતદાન પૂરું થવામાં ઘણા કલાકો બાકી છે. આ પહેલા બિહારમાં પણ ચૂંટણીઓ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE