RCBનો દબદબો: ભુવનેશ્વર-હેઝલવુડની ઘાતક બોલિંગ સામે દિલ્હી 75 રનમાં ઠેર, કોહલીના 9000 રન પૂરા

IPL 2026: માત્ર 39 બોલમાં આરસીબીએ ભવ્ય જીત મેળવી હતી..જયારે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા.. પાવરપ્લેમાં ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર બન્યો હતો..

મેચના મુખ્ય આંકડા:

  • દિલ્હી કેપિટલ્સ: 75/10 (16.3 ઓવર)

  • RCB: 77/1 (6.3 ઓવર)

  • શ્રેષ્ઠ બોલર: જોશ હેઝલવુડ (4 વિકેટ)

  • સીઝનનું પ્રદર્શન: RCBની 8 મેચમાં છઠ્ઠી જીત; દિલ્હીની સતત ત્રીજી હાર.

આઈપીએલ 2026ની સીઝનમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘર આંગણે 9 વિકેટે કારમી હાર આપી છે. ગત મેચમાં 264 રનનો વિશાળ સ્કોર બનાવનાર દિલ્હીની ટીમ આ વખતે માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભુવી અને હેઝલવુડનું વાવાઝોડું

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ પર આરસીબીના બોલરોએ શરૂઆતથી જ પકડ જમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે મેચના બીજા જ બોલે આઈપીએલ ડેબ્યૂ કરી રહેલા સાહિલ પરખને શૂન્ય રને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ જોશ હેઝલવુડનો કહેર જોવા મળ્યો. જેણે સતત બે બોલમાં કેએલ રાહુલ (1) અને નીતીશ રાણા (1)ને પેવેલિયન ભેગા કર્યા. દિલ્હીની હાલત એટલી ખરાબ હતી કે માત્ર 8 રનના સ્કોર પર તેની 6 વિકેટ પડી ગઈ હતી.

પાવરપ્લેમાં નોંધાયો શરમજનક રેકોર્ડ

આઠ રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ મિલર (19) અને અભિષેક પોરેલે થોડી લડત આપી હતી. જોકે, દિલ્હીની ટીમ પાવરપ્લેના 6 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 13 રન જ બનાવી શકી હતી. જે આઈપીએલ ઈતિહાસનો પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર છે.

75 રનમાં દિલ્હીનો ધબડકો

અભિષેક પોરેલે 33 બોલમાં 30 રન બનાવીને ટીમને આઈપીએલના ન્યૂનતમ સ્કોરના શરમજનક રેકોર્ડથી બચાવી હતી. તેમ છતાં, સમગ્ર ટીમ 16.3 ઓવરમાં માત્ર 75 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ: 9000 રન પૂરા

76 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ માત્ર 6.3 ઓવર એટલે કે 39 બોલમાં જીત મેળવી લીધી હતી. જેકબ બેથલ 20 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે ટીમને જીત સુધી પહોંચાડી હતી.

આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે આઈપીએલ ઈતિહાસમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં રોહિત શર્મા (7183 રન) બીજા ક્રમે છે. કોહલી 23 રન અને પડિક્કલ 34 રન બનાવીને અણનમ રહ્યા હતા.

Leave a Comment

READ MORE

READ MORE