ઈરાનનો ફરી આક્રમક મિજાજ: ભારત આવતા જહાજ સહિત બે જહાજોને કર્યા બંધક,ગુજરાતના મુંદ્રા પોર્ટ આવી રહ્યું હતું જહાજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સીઝફાયર વધારવાની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ્સ’ (IRGC) એ દરિયામાં મોટો હુમલો કર્યો છે. ઈરાને બે માલવાહક જહાજોને જપ્ત કરી લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે, આમાંનું એક જહાજ ગુજરાત આવી રહ્યું હતું.

ગુજરાતના મુંદ્રા પોર્ટ આવી રહ્યું હતું જહાજ

મેરીટાઈમ ટ્રાફિક ડેટા અનુસાર, લાઈબેરિયાના ધ્વજ ધરાવતું ‘એપામિનોડ્સ’ (Epaminondas) જહાજ દુબઈથી નીકળ્યું હતું અને ગુજરાતના મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ જહાજને ઈરાની નેવીએ અધવચ્ચેથી જ અટકાવી પોતાના કબજામાં લીધું છે. આ ઘટનાને પગલે ભારત અને ઈરાન વચ્ચે રાજદ્વારી તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

કયા જહાજો બન્યા શિકાર?

ઈરાની સ્ટેટ ટેલિવિઝન મુજબ નીચે મુજબના જહાજો પર કાર્યવાહી કરવામાં આવી છે:

  1. એમએસસી ફ્રાન્સેસ્કા (MSC Francesca): પનામાનો ધ્વજ ધરાવતું જહાજ, હાલ IRGCની હિરાસતમાં.

  2. એપામિનોડ્સ (Epaminondas): લાઈબેરિયાનો ધ્વજ ધરાવતું જહાજ (મુંદ્રા આવી રહ્યું હતું).

  3. યુફોરિયા (Euphoria): ગ્રીસનું આ જહાજ પણ નિશાના પર હતું અને હાલ ઈરાની તટ પાસે ફસાયેલું છે.

ઈરાનનો તર્ક અને બદલાની કાર્યવાહી

ઈરાની નેવીએ દાવો કર્યો છે કે,આ જહાજો પાસે જરૂરી પરવાનગી નહોતી અને તેમણે નેવિગેશન સિસ્ટમ સાથે છેડછાડ કરી દરિયાઈ સુરક્ષા જોખમમાં મૂકી હતી. જોકે, જાણકારો આને અમેરિકા સામેના બદલા તરીકે જોઈ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકી નૌસેનાએ ઓમાનની ખાડીમાં ઈરાનના બે જહાજો કબજે કર્યા હતા. જેના જવાબમાં ઈરાને આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

અર્થતંત્ર પર અસર: ક્રૂડ ઓઈલ $100 ને પાર?

હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz), જે વિશ્વના તેલ વેપાર માટે સૌથી મહત્વનો માર્ગ છે, ત્યાં તણાવ વધતા વૈશ્વિક બજારમાં ફફડાટ છે. આ હુમલા બાદ કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને તે 100 ડોલર પ્રતિ બેરલની સપાટીની નજીક પહોંચી ગઈ છે. જો આ વિવાદ જલ્દી ઉકેલાયો નહીં, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર તેની સીધી અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE