દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. રાજકીય જગતની હસ્તીઓએ પણ આશા ભોંસલેના અવસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના તમામ નેતાઓએ આશાજીના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.
તેમનો અવાજ હંમેશા અજોડ રહ્યો – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા ભોંસલેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા ‘X’ પર તેમની જૂની તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, “ભારતના સૌથી પ્રખ્યાત અને બહુમુખી અવાજોમાંના એક આશા ભોંસલેજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. દાયકાઓ સુધી ચાલેલી તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણી સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ બનાવી અને વિશ્વભરના અસંખ્ય હૃદયોને સ્પર્શ્યા છે. ભલે તે મનને સ્પર્શી જાય તેવી ધૂન હોય કે જોશીલી રચનાઓ, તેમના અવાજમાં હંમેશા એક અજોડ ચમક રહી છે. તેમની સાથેની મુલાકાતોની યાદો હું હંમેશા સાચવી રાખીશ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે. તેમના ગીતો હંમેશા લોકોના જીવનમાં ગુંજતા રહેશે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો શોક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આશા ભોંસલેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આશા ‘તાઈ’ એ માત્ર પોતાના અવાજ અને પ્રતિભાથી અનોખી ઓળખ બનાવી એટલું જ નહીં, પરંતુ પોતાના મધુર ગીતો દ્વારા ભારતીય સંગીતને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.
સંગીતનો બીજો તારો આજે આથમી ગયો – દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “આ સમગ્ર ભારત અને વિશ્વના સંગીત પ્રેમીઓ માટે અત્યંત દુઃખની ઘડી છે. ભારતની સંગીત સેવામાં મંગેશકર પરિવારનું મોટું યોગદાન છે. લતા દીદીના રૂપમાં આપણે પહેલો તારો ગુમાવ્યો હતો અને આજે સંગીતનો બીજો તારો પણ લુપ્ત થયો છે તેનું અમને ઘણું દુઃખ છે. 92 વર્ષની વય સુધી તેમણે સતત સેવા કરી છે. પોતાના 90માં જન્મદિવસે 3 કલાક કોન્સર્ટ કરનાર તેઓ વિશ્વના એકમાત્ર ગાયિકા છે. શાસ્ત્રીય સંગીતથી લઈને પોપ અને રોક સુધીના તમામ પ્રકારના ગીતો તેમણે આપ્યા છે. તેમણે 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. તેમનું જવું એ ભારત માટે મોટી ખોટ છે.”
આશાજીનું યોગદાન પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે – નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, પદ્મ વિભૂષણ આશા ભોંસલેજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમની સાથે મારા પારિવારિક સંબંધો રહ્યા છે. તેમનું જવું એ ભારતના સંગીત ક્ષેત્રની અપૂરણીય ક્ષતિ છે. ‘નયા દૌર’, ‘તીસરી મંઝિલ’, ‘ઉમરાવ જાન’ અને ‘રંગીલા’ જેવી અનેક ફિલ્મોના ગીતો તેમણે પોતાના અવાજથી અમર બનાવ્યા છે. પ્લેબેક સિંગર તરીકે પણ તેમણે યાદગાર ગીતો આપ્યા છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મમતા બેનર્જીએ આપી શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આશાજીના નિધનને કલા અને સંગીત જગતની અપૂરણીય ક્ષતિ ગણાવી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, આશા ભોંસલે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. તેમણે બંગાળી સંગીતમાં આપેલા યોગદાનને પણ યાદ કર્યું અને જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં પણ તેઓ ખૂબ જ લોકપ્રિય હતા.
ઉદ્ધવ ઠાકરે અને RSS એ વ્યક્ત કરી સંવેદના
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભારતીય સંગીત જગતનો એક મજબૂત સ્તંભ આજે ધરાશાયી થયો છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને દત્તાત્રેય હોસબલેએ પણ શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે, આશા ભોંસલેએ દાયકાઓ સુધી પોતાની સાધનાથી ભારતીય ફિલ્મો અને સંગીત પર અમીટ છાપ છોડી છે. તેમની દેશભક્તિ અને સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેની પ્રતિબદ્ધતા હંમેશા સ્પષ્ટ રહી છે.
Post Views: 43











