નાસાનું આર્ટિમિસ-2 મિશન સફળ: ચંદ્રની પ્રદક્ષિણા કરી ચારેય અવકાશયાત્રીઓ ધરતી પર સુરક્ષિત પરત ફર્યા

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) નું આર્ટિમિસ-2 (Artemis II) મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ મિશનમાં સામેલ ચારેય અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. શનિવારે સવારે નાસાના સ્પેસક્રાફ્ટે સેન ડિએગોના દરિયાકિનારે લેન્ડિંગ કર્યું હતું. સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ મિશન દરમિયાન યાત્રીઓએ 6,90,000 માઇલ થી વધુનું અંતર કાપ્યું હતું. 10 દિવસના આ મિશનની સફળતા બાદ હવે નાસા આર્ટિમિસ-3 ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ મિશનમાં અવકાશયાત્રીઓ માત્ર ચંદ્રની નજીકથી પસાર થયા હતા.પરંતુ આગામી મિશનમાં તેઓ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે.

અવકાશયાત્રીઓના આગમન પર નાસાએ લેન્ડિંગનો વીડિયો શેર કરતા સોશિયલ મીડિયા (X) પર લખ્યું, રીડ, વિક્ટર, ક્રિસ્ટિના અને જેરેમી, તમારું ઘરે સ્વાગત છે ! આર્ટિમિસ II ના અવકાશયાત્રીઓ 11 એપ્રિલના રોજ રાત્રે 8:07 વાગ્યે (અમેરિકી સમય મુજબ) પરત ફર્યા છે.જેની સાથે ચંદ્રની આસપાસની તેમની 10 દિવસની ઐતિહાસિક સફર પૂર્ણ થઈ છે.”

હાઇડ્રોજન લીકને કારણે મિશન વિલંબિત થયું હતું

અગાઉ આ મિશન ફેબ્રુઆરીમાં નિર્ધારિત હતું, પરંતુ હાઇડ્રોજન ઇંધણ લીક થવાને કારણે તેને સ્થગિત કરવું પડ્યું હતું. લીકેજ રિપેર કર્યા પછી હિલીયમ પ્રેશર લાઇનમાં અવરોધ આવ્યો હતો. જેના કારણે રોકેટને ગયા મહિનાના અંતમાં ફરીથી સમારકામ માટે લઈ જવું પડ્યું હતું.લગભગ દોઢ અઠવાડિયા પહેલા રોકેટને ફરીથી લોન્ચ પેડ પર લાવવામાં આવ્યું હતું.

આ મિશન ઐતિહાસિક એપોલો કાર્યક્રમ કરતા અલગ છે. જેમાં 1968 થી 1972 દરમિયાન માત્ર પુરુષોને જ ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. 53 વર્ષ પછી હવે ચંદ્ર પર જઈ રહેલા આ મિશનમાં એક મહિલા, એક અશ્વેત અવકાશયાત્રી અને એક બિન-અમેરિકન સભ્યનો સમાવેશ થાય છે.

ફ્લોરિડાથી ભરી હતી ઉડાન

આર્ટિમિસ-2 એ ફ્લોરિડાના તે જ લોન્ચ પેડ પરથી ઉડાન ભરી હતી જ્યાંથી વર્ષો પહેલા એપોલો મિશનના અવકાશયાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. મિશનના કમાન્ડર રીડ વાઈઝમેને “ચાલો ચંદ્ર પર જઈએ!” ના નારા સાથે આ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.તેમની સાથે પાયલોટ વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને કેનેડાના જેરેમી હેનસેન સામેલ હતા.આ મિશન જોવા માટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર હજારો લોકો ઉમટી પડ્યા હતા.

10 દિવસમાં શું-શું કર્યું?

  • અવકાશયાત્રીઓએ તેમની 10 દિવસની મુસાફરીના પ્રથમ 25 કલાક પૃથ્વીની નજીક વિતાવ્યા હતા.

  • પૃથ્વીની ભ્રમણકક્ષામાં કેપ્સ્યુલની તપાસ કર્યા પછી મુખ્ય એન્જિન ચાલુ કરવામાં આવ્યું, જે તેમને ચંદ્ર સુધી લઈ ગયું.

  • તેઓ ચંદ્ર પર રોકાયા નહોતા કે તેની પરિક્રમા કરી નહોતી. તેમનું કેપ્સ્યુલ ચંદ્રની નજીકથી પસાર થયું અને ત્યાંથી 6,400 કિલોમીટર આગળ વધ્યા પછી યુ-ટર્ન લઈને સીધું પેસિફિક મહાસાગરમાં ઉતર્યું. આ સાથે તેઓ અવકાશમાં સૌથી દૂર સુધી જનારા માનવી બની ગયા છે.

અવકાશમાં પ્રથમ વખત પાણી અને શૌચાલયની સુવિધા

આ મિશનમાં જોખમ વધારે હતું કારણ કે આર્ટિમિસ-2 માં પ્રથમ વખત જીવન રક્ષક પ્રણાલી, પાણીની વ્યવસ્થા અને શૌચાલય જેવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આર્ટિમિસ-1 (જે માનવરહિત હતું) માં નહોતી.આ જ કારણે નાસાએ અવકાશયાત્રીઓને ચંદ્ર તરફ મોકલતા પહેલા તમામ સિસ્ટમની ચકાસણી માટે પૃથ્વીની કક્ષામાં પૂરો એક દિવસ રાહ જોવડાવી હતી.

Leave a Comment

READ MORE

READ MORE