શાંતિ વાર્તા પહેલા જેડી વેન્સે ઈરાનને આપી ચેતવણી: અમેરિકા સાથે ‘રમત’ ન રમતા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે શુક્રવારે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે તે અમેરિકા સાથે ‘રમત’ ન રમે. તેઓ યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી વાતચીત માટે વિદેશ રવાના થઈ રહ્યા છે. ત્યારે આ નિવેદન આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અત્યંત નજીકના ગણાતા જેડી વેન્સને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ શોધવાની અને ઈરાનની “સંપૂર્ણ સભ્યતા” નષ્ટ કરવાની ટ્રમ્પની ચોંકાવનારી ધમકીને ટાળવાની જવાબદારી સોંપી છે. ઉલ્લેખનીય છે કે,વેન્સની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે એક નાજુક અને કામચલાઉ યુદ્ધવિરામ તૂટવાની અણી પર છે.

જેડી વેન્સ, જેઓ લાંબા સમયથી વિદેશી સૈન્ય હસ્તક્ષેપ પ્રત્યે શંકાશીલ રહ્યા છે અને અનિશ્ચિતકાલીન સંઘર્ષોમાં સેના મોકલવાની શક્યતા સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈરાન સાથે મધ્યસ્થી વાર્તાનું નેતૃત્વ કરવા રવાના થયા છે.પાકિસ્તાન રવાના થતા પહેલા વેન્સે પત્રકારોને કહ્યું, “જો ઈરાનીઓ સદ્ભાવના સાથે વાતચીત કરવા તૈયાર હશે.તો અમે ચોક્કસપણે ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ. પરંતુ જો તેઓ અમને છેતરવાનો પ્રયાસ કરશે, તો તેમને ખબર પડશે કે આ વાર્તાકાર ટીમ એટલો સહયોગ આપવા તૈયાર નથી.”

ઈરાનની જાહેર માંગણીઓ અને અમેરિકા તથા તેના સાથી ઈઝરાયેલની માંગણીઓ વચ્ચેનું અંતર ઉકેલવું અશક્ય જણાય છે.અમેરિકામાં, જ્યાં વેન્સ બે વર્ષ પછી મતદારોને તેમને આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા વિનંતી કરી શકે છે.ત્યાં યુદ્ધવિરામ સમાપ્ત કરવા માટે રાજકીય અને આર્થિક દબાણ વધી રહ્યું છે.

વેન્સ ઈસ્લામાબાદ જવા રવાના થયા તે દરમિયાન, ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર કલીબાફે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, લેબનોનમાં યુદ્ધવિરામ (જ્યાં ઈઝરાયેલ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે) અને જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિની મુક્તિ “વાતચીત શરૂ કરતા પહેલા પૂર્ણ થવી જોઈએ.” તેમણે આ અંગે વધુ વિગતો આપી ન હતી.

જણાવી દઈએ કે વેન્સ પહેલા શુક્રવારે જ કલીબાફ અને અન્ય વરિષ્ઠ ઈરાની અધિકારીઓ ઈસ્લામાબાદ પહોંચી ગયા હતા.શનિવારથી શરૂ થનારી વાર્તા માટે ઈરાની પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, સર્વોચ્ચ રાષ્ટ્રીય રક્ષા પરિષદના સચિવ અલી અકબર અહમદીન, સેન્ટ્રલ બેંકના ગવર્નર અબ્દોલનાસેર હેમ્મતી અને અનેક સાંસદો સામેલ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ એરપોર્ટ પર પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે રાષ્ટ્રને સંબોધિત કરતા આ વાર્તાને બંને પક્ષો માટે “નિર્ણાયક ક્ષણ” ગણાવી હતી.

વેન્સની સાથે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ સામેલ છે.કુશનરે 28 ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા પહેલા, તેહરાનના પરમાણુ અને બેલેસ્ટિક હથિયાર કાર્યક્રમો તથા મધ્ય પૂર્વમાં સશસ્ત્ર પ્રોક્સી જૂથોને તેના સમર્થન અંગેની અમેરિકી ચિંતાઓ દૂર કરવાના હેતુથી ઈરાની વાર્તાકારો સાથે પરોક્ષ વાર્તાના ત્રણ રાઉન્ડમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE