LPG અને ખાતરના પુરવઠા અંગે રાજ્યોને કડક આદેશ:પશ્ચિમ એશિયાના સંકટ પર PM આવાસ પર 3 કલાક ચાલી હાઈ-લેવલ મીટિંગ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની એક મહત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી..આશરે 3 કલાક સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં યુદ્ધના કારણે ઊભા થનારા પડકારો, ખાસ કરીને ઊર્જા સુરક્ષા, ખાતરનો પુરવઠો અને મોંઘવારી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

LPGની સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી

બેઠકમાં કેબિનેટ સચિવે વડાપ્રધાનને જાણકારી આપી હતી કે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની કિંમતોમાં વધઘટ હોવા છતાં, સ્થાનિક ગ્રાહકો માટે LPGના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રસોઈ ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ દેશોમાંથી આયાત વધારવામાં આવી રહી છે.સાથે જ, રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે પેટ્રોલિયમ પેદાશોની કાળાબજારી કે સંગ્રહખોરી કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.

ખેડૂતો માટે ખાતર અને વીજળીનો ‘બેકઅપ પ્લાન’

PM મોદીએ ખાસ કરીને કૃષિ ક્ષેત્રની ચિંતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યા કે ખરીફ અને રવિ સીઝન માટે દેશમાં ખાતરની કોઈ અછત સર્જાવી જોઈએ નહીં.યુરિયાનું ઉત્પાદન ચાલુ છે અને DAP ના વિદેશી પુરવઠા માટે સંકલન સાધવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત, ઉનાળામાં વધતી વીજળીની માંગને પહોંચી વળવા ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ (7–8 GW) ને રાહત આપવા અને થર્મલ પ્લાન્ટ્સ માટે કોલસાનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.

હોર્મુઝ સંકટ પર બાજ નજર

બેઠકમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા જહાજોની સુરક્ષિત અવરજવર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.સિવિલ એવિએશન, શિપિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવતા સંભવિત અવરોધોને પહોંચી વળવા માટે પણ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

અફવાઓ પર અંકુશ

PM મોદીએ અધિકારીઓને સૂચના આપી હતી કે જનતા સુધી સાચી અને સત્તાવાર માહિતી પહોંચવી જોઈએ, જેથી યુદ્ધના કારણે ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીથી બચી શકાય.ખાદ્યવસ્તુઓની કિંમતો પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.શાકભાજી અને ફળોના ભાવ પર પણ ‘રિયલ ટાઇમ’ નજર રાખવામાં આવી રહી છે.

વડાપ્રધાનનો સંદેશ: પીએમ મોદીએ જણાવ્યું  કે, આ વૈશ્વિક સંકટની અસર સામાન્ય નાગરિકો પર ન પડે તે માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવે.તમામ વિભાગોને નિર્દેશ અપાયા છે કે,તેઓ હાલની વૈશ્વિક સ્થિતિથી પ્રભાવિત ક્ષેત્રો અને નાગરિકોની સમસ્યાઓ ઘટાડવા માટે દરેક શક્ય ઉપાય કરે.

Leave a Comment

READ MORE

READ MORE