મલયાલમ દિગ્દર્શક રંજીતની ફરી ધરપકડ: યૌન શોષણના નવા આરોપ બાદ પોલીસની કડક કાર્યવાહી

મલયાલમ ફિલ્મોના દિગ્દર્શક રંજીતની મંગળવારે સાંજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા અભિનેત્રીએ ફિલ્મ સેટ પર તેમની સાથે જાતીય સતામણીનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કારવાંમાં બોલાવી શોષણનો પ્રયાસ

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે, શૂટિંગ દરમિયાન રંજીતે તેને પોતાની કારવાં (Caravan) માં લલચાવીને બોલાવી હતી અને ત્યાં તેની સાથે શારીરિક અડપલાં તથા જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો.આ અંગે સોમવારે કોચી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેના પર પોલીસે ત્વરિત પગલાં લીધા છે.

પોલીસે પીડિત મહિલાની ઓળખ ગુપ્ત રાખવા માટે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સાવધાનીપૂર્વક પાર પાડી હતી.રંજીતની ઇડુક્કી જિલ્લામાંથી અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેમને થોડુપુઝામાં રાખવામાં આવ્યા છે. જ્યાંથી ટૂંક સમયમાં તેમને કોચી ટ્રાન્સફર કરવામાં આવશે.

વિવાદો સાથે જૂનો નાતો: હેમા કમિટીના રિપોર્ટમાં પણ ઉલ્લેખ

દિગ્દર્શક રંજીત સામે જાતીય ગેરવર્તણૂકના આરોપો લાગ્યા હોય તેવું આ પહેલીવાર નથી.મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં થતી સતામણી અને શોષણ અંગેના જસ્ટિસ કે. હેમા કમિટીના રિપોર્ટમાં પણ રંજીતનું નામ સામે આવ્યું હતું.આ રિપોર્ટે ફિલ્મ ઉદ્યોગના એવા કાળા પાસાને ઉજાગર કર્યો હતો.જ્યાં શક્તિશાળી પુરુષો ઘણીવાર જવાબદારીમાંથી છટકી જાય છે.

ભૂતકાળના કિસ્સાઓ અને કાનૂની લડાઈ

રંજીત સામે સતામણીના આરોપોનો ઇતિહાસ વર્ષો જૂનો છે:

  • બંગાળી અભિનેત્રીનો આરોપ: વર્ષ 2024માં એક બંગાળી અભિનેત્રીએ કોચી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે 2009માં ફિલ્મ ‘પાલેરી માણિક્યમ’ના શૂટિંગ દરમિયાન રંજીતે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.

  • જામીન અરજી: અગાઉના કેસોમાં રંજીતે આગોતરા જમીન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કેરળ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી.

ફિલ્મ ઉદ્યોગમાં સત્તાનો દુરુપયોગ

આ ધરપકડ બાદ મલયાલમ સિનેમામાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક લોકો મૌન સેવી રહ્યા છે, તો કેટલાક સત્તાના આ પ્રકારના દુરુપયોગની સખત નિંદા કરી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે રંજીત સામે વારંવાર લાગતા આ આરોપો દર્શાવે છે કે ફિલ્મ ઉદ્યોગમાં પ્રભાવશાળી લોકો કેવી રીતે સંઘર્ષ કરતા કલાકારોનું શોષણ કરે છે અને પોતાની ઓળખાણ તથા ખ્યાતિના જોરે બચી નીકળે છે.રંજીતની ધરપકડથી ફરી એકવાર ‘મી ટૂ’ (Me Too) ચળવળ જેવો માહોલ સર્જાયો છે, જે ન્યાયતંત્ર અને ઉદ્યોગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE