પૂનમ પાંડેની પ્રેગ્નન્સી પોસ્ટથી ઇન્ટરનેટ પર ધમાકેદાર ચર્ચાઓ: નેટીઝન્સનો સવાલ- ‘બાપ કોણ છે?’

ઇન્ટરનેટ પર સનસનાટી મચાવવામાં માહેર ગણાતી અભિનેત્રી પૂનમ પાંડેએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. આ વખતે તેણે ‘એપ્રિલ ફૂલ’ના દિવસને ખાસ પસંદ કરીને પોતાના ચાહકો અને નેટીઝન્સ સાથે એક મોટો મજાક કર્યો હતો. 31 માર્ચની સાંજે પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ‘બેબી બમ્પ’ સાથેના ફોટા શેર કર્યા હતા. જેમાં તે આત્મવિશ્વાસ સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ ફોટા જોતા જ ઇન્ટરનેટ પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. અને લોકોમાં કુતૂહલ જાગ્યું હતું કે શું તે ખરેખર મા બનવાની છે.

પૂનમ પાંડેએ જ્યારે આ ફોટા શેર કર્યા ત્યારે નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક તરફ ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા હતા.તો બીજી તરફ અનેક યુઝર્સ તેની પર્સનલ લાઈફને લઈને સવાલો ઉઠાવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર ‘આનો પિતા કોણ છે?’ જેવા સવાલોનો મારો ચાલ્યો હતો. જોકે, પૂનમ પાંડેના ભૂતકાળના સ્ટંટને જોતા ઘણા લોકો એવું પણ માની રહ્યા હતા કે, આ ચોક્કસપણે કોઈ પબ્લિસિટી સ્ટંટ અથવા એપ્રિલ ફૂલનો પ્રોન્ક હોઈ શકે છે. અને અંતે તેમની શંકા સાચી સાબિત થઈ હતી.

1 એપ્રિલના રોજ પૂનમે એક વીડિયો જાહેર કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેણે વીડિયોમાં સ્પષ્ટતા કરી કે, તે ગર્ભવતી નથી અને આ માત્ર એક મજાક હતો.પૂનમે જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યારે દુનિયા તણાવ અને સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે.ત્યારે તે લોકોને થોડું મનોરંજન પૂરું પાડવા માંગતી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે, લોકોને આશ્ચર્યચકિત કરવા તે તેનો હક છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડે અને વિવાદોનો જૂનો નાતો રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં પણ તેણે પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને આખા દેશને ચોંકાવી દીધો હતો.જે બાદમાં તેણે સર્વાઇકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્ટંટ ગણાવ્યો હતો.આ સિવાય 2011ના વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઇન્ડિયાની જીત પર નગ્ન થવાની જાહેરાત હોય કે પોતાની બોલ્ડ એપ લોન્ચ કરવાની વાત, પૂનમ હંમેશા ચર્ચામાં રહેવા માટે અવનવા રસ્તાઓ અપનાવતી રહે છે.

જોકે, પૂનમ પાંડેના આ પ્રકારના વારંવારના ચોંકાવનારા સ્ટંટથી હવે સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે, હેડલાઇન્સમાં રહેવા માટે ગંભીર વિષયો કે અંગત સંવેદનાઓનો મજાક ઉડાવવો અયોગ્ય છે.ભલે પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બનવામાં સફળ રહી હોય, પરંતુ નેટીઝન્સ હવે તેના આવા પબ્લિસિટી સ્ટંટથી કંટાળી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE