માત્ર 5 પૈસા માટે 40 વર્ષની કાનૂની લડાઈ: દિલ્હીના બસ કંડક્ટરની સંઘર્ષગાથાએ લોકોને કર્યા ભાવુક

દિલ્હીના એક નિવૃત્ત બસ કંડક્ટરની આશ્ચર્યજનક અને પીડાદાયક વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. માત્ર 5 પૈસાના મામૂલી આરોપસર એક વ્યક્તિને પોતાની જિંદગીના 40 વર્ષ કોર્ટના ધક્કા ખાવામાં વિતાવવા પડ્યા.આ ઘટનાએ ન્યાય પ્રણાલીની ધીમી ગતિ અને સંસાધનોના વેડફાટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના વર્ષ 1973ની છે. રણવીરસિંહ યાદવ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે એક મહિલા મુસાફર પાસેથી 10 પૈસાની ટિકિટના બદલે 15 પૈસા લીધા હતા. અને ઉપરના 5 પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. આ નજીવા આરોપ બાદ તેમની તપાસ શરૂ થઈ અને થોડા વર્ષો પછી તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા.

5 પૈસા માટે લાખોનો ખર્ચ અને જીવનની હોળી

નોકરી ગુમાવ્યા બાદ રણવીરસિંહે ન્યાય મેળવવા માટે કાનૂની જંગ છેડ્યો. આ લડાઈ એટલી લાંબી ચાલી કે તેમના જીવનના શ્રેષ્ઠ વર્ષો કોર્ટના ચક્કર કાપવામાં જ પૂરા થઈ ગયા.

  • 1990માં રાહત: લેબર કોર્ટે તેમની બરતરફીને ખોટી ઠેરવી હતી.

  • DTCની જીદ: DTC એ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો, જેના કારણે કેસ વધુ ખેંચાયો.

  • ખર્ચનો આંકડો: જે 5 પૈસા માટે આ બધું શરૂ થયું હતું. તે વસૂલવા માટે DTC એ અંદાજે 47,000 રૂપિયા કાનૂની ફીમાં ખર્ચ્યા.બીજી તરફ, રણવીરસિંહે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

પૈસા નહીં, પણ સન્માનની લડાઈ

રણવીરસિંહ માટે આ લડાઈ માત્ર આર્થિક નહોતી. પણ તેમના આત્મસન્માનની હતી.તેમણે ઘણી વાર દુઃખ સાથે જણાવ્યું હતું કે તેમના પોતાના બાળકો પણ પૂછતા હતા કે, શું તેમણે ખરેખર કોઈના પૈસા લીધા હતા? આ સવાલ તેમના માટે અત્યંત પીડાદાયક હતો.

છેવટે, દાયકાઓ લાંબી કાનૂની લડાઈ પછી તેમને ન્યાય મળ્યો છે. કોર્ટે DTC ને આદેશ આપ્યો છે કે, રણવીર સિંહને 30,000 રૂપિયા વળતર તરીકે ચૂકવવામાં આવે. આ સાથે જ તેમને ગ્રેચ્યુઈટી અને બાકી નીકળતી તમામ રકમ આપવાનો પણ આદેશ કરાયો છે.

સોશિયલ મીડિયા પર આક્રોશ

હાલમાં આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.લોકો આને ન્યાયતંત્રની ખામી અને “સિસ્ટમની ક્રૂરતા” ગણાવી રહ્યા છે.યુઝર્સ કહી રહ્યા છે કે એક નાનકડા મામલાને ઉકેલવામાં 40 વર્ષ લાગવા તે સામાન્ય માણસ સાથે ક્રૂર મજાક સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE