ટ્રક અને મુસાફર બસ વચ્ચે ટક્કર, બંને વાહનો આગના ગોળામાં ફેરવાયા; 8 લોકો જીવતા ભૂંજાયા, 18 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લામાં રાયવરમ પાસે એક ભીષણ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. ગુરુવારે મુસાફરોથી ભરેલી એક બસ અને કપચી (બજરી) ભરેલા ટિપર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર થયાના થોડી જ વારમાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

આગના ગોળામાં ફેરવાયેલી બસ

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બસના પાછળના ભાગમાં બેઠેલા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડા અને લપેટાને કારણે ગૂંગળામણ અને દાઝી જવાથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી 18 ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કાટમાળમાં હજુ પણ મૃતદેહો હોવાની આશંકા

માર્કાપુરમના પોલીસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (DSP) નાગરાજુએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “અકસ્માતમાં અંદાજે 8 લોકો જીવતા ભૂંજાયા છે. અત્યાર સુધીમાં 18 ઈજાગ્રસ્તોને બચાવીને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આશંકા છે કે હજુ પણ કેટલાક મૃતદેહો બસના કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે, જેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.”

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમ હાલમાં મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મૃતદેહો પરિવારોને સોંપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE