રાષ્ટ્રીય લોકદળ (RLD) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને એક અજ્ઞાત ફોન નંબર પરથી ધમકી મળી છે. મળતી માહિતી મુજબ,ફોન કરનાર વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની વાત કહી હતી.જેના તરત જ બાદ મંત્રીના કાર્યાલય દ્વારા સુરક્ષા એજન્સીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ધમકી તેમના વ્યક્તિગત સહાયક વિશ્વવેન્દ્ર શાહને ફોન અને વોટ્સએપ દ્વારા આપવામાં આવી હતી.કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ “ઈસ્માઈલ” જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનો રહેવાસી છે.ધમકીના સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે..જયંત ચૌધરીની સુરક્ષા અગાઉ કરતા વધુ કડક કરી દેવામાં આવી છે અને તેમના નિવાસસ્થાન તેમજ જાહેર કાર્યક્રમો દરમિયાન તૈનાત સુરક્ષાકર્મીઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
સત્તાવાર ટૂર શેડ્યૂલની કોપી હોવાનો પણ ઉલ્લેખ
ધમકી આપનાર વ્યક્તિએ મંત્રીશ્રીના સત્તાવાર ટૂર શેડ્યૂલની નકલ પોતાની પાસે હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.આ ઘટના બાદ જયંત ચૌધરીએ તાત્કાલિક દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દિલ્હી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસ પણ આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.પોલીસ તે અજ્ઞાત મોબાઈલ નંબરને ટ્રેક કરવામાં વ્યસ્ત છે જેના પરથી કોલ આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં કોલનું લોકેશન અને સિમ કાર્ડના માલિકની વિગતો મેળવવામાં આવી રહી છે.કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પણ એ તપાસી રહી છે કે આ કોઈ ટીખળખોર તત્વનું કામ છે કે તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છે.
NDAમાં મહત્વના પદ પર છે જયંત ચૌધરી
જયંત ચૌધરી NDA સરકારમાં મહત્વનું પદ સંભાળી રહ્યા છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં RLDનો મજબૂત આધાર છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરી તાજેતરમાં જ ભારત રત્નની જાહેરાત બાદ સપા (SP) થી અલગ થઈને NDAમાં જોડાયા હતા.તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે અને ખેડૂતોના મુદ્દાઓ પર સતત સક્રિય રહે છે.
Post Views: 72











