અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ જન્મભૂમિ મંદિરના બીજા માળે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે **’શ્રીરામ યંત્ર’**ની સ્થાપના કરી હતી. આ ધાર્મિક અનુષ્ઠાનને મંદિર નિર્માણની યાત્રાનો એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક પડાવ માનવામાં આવે છે, જે મંદિરની આધ્યાત્મિક શક્તિમાં અભિવૃદ્ધિ કરશે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાષ્ટ્રપતિ જ્યારે અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેમનું ભવ્ય અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું…આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…રાષ્ટ્રપતિના આગમનથી સમગ્ર અયોધ્યા નગરીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રપતિના સ્વાગત માટે રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. એરપોર્ટથી રામ મંદિર સુધીના માર્ગો પર પૂર્વાંચલની ભવ્ય લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. ઠેર-ઠેર મંચ બનાવીને કલાકારો દ્વારા પરંપરાગત લોકગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા…ઢોલ-નગારાના ગુંજારવ અને જય શ્રી રામના નાદ સાથે શ્રદ્ધાળુઓએ રસ્તા પર ઉભા રહીને રાષ્ટ્રપતિનું ભાવભીનું અભિવાદન કર્યું હતું,.જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ દિવસની વિશેષતા જણાવતા કહ્યું કે, શ્રીરામ યંત્રની સ્થાપના એ માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી..પરંતુ મંદિરના નિર્માણ કાર્યને એક મહત્વપૂર્ણ ચરણમાં પૂર્ણતા તરફ લઈ જતી કડી છે…રાષ્ટ્રપતિના હસ્તે થયેલું આ અનુષ્ઠાન રામ મંદિરના ઈતિહાસમાં સદાય અંકિત રહેશે.. જે દેશની અખંડ આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે.
Post Views: 0











