મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતીય દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલેમાં રિલાયન્સ એક નવી ઓઈલ રિફાઈનરી સ્થાપશે. આ પ્રોજેક્ટ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતીય ઉર્જા કંપની રિલાયન્સનો આભાર માન્યો હતો…આ પ્રોજેક્ટમાં રિલાયન્સ અંદાજે 300 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ જાહેરાત કરતા લખ્યું કે:
“અમેરિકા વાસ્તવિક ઉર્જા પ્રભુત્વ તરફ પરત ફરી રહ્યું છે! આજે મને ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે કે ‘અમેરિકા ફર્સ્ટ રિફાઈનિંગ’ છેલ્લા 50 વર્ષોમાં પહેલીવાર ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં નવી અમેરિકી ઓઈલ રિફાઈનરી ખોલવા જઈ રહી છે. આ 300 અબજ ડોલરનો એક ઐતિહાસિક સોદો છે.”
અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સોદો
ટ્રમ્પે આ રોકાણને અમેરિકી ઇતિહાસનો સૌથી મોટો સોદો ગણાવતા કહ્યું કે, આ અમેરિકી શ્રમિકો, ઉર્જા ક્ષેત્ર અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે મોટી જીત છે. તેમણે ઉમેર્યું કે:
-
ભારતનો આભાર: “આ જબરદસ્ત રોકાણ માટે ભારતમાં અમારા ભાગીદારો અને તેમની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની ‘રિલાયન્સ’નો હું આભાર માનું છું.”
-
નીતિગત સફળતા: ટ્રમ્પે દાવો કર્યો કે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ, ટેક્સમાં ઘટાડો અને પરમિટ પ્રક્રિયાના સરળીકરણને કારણે જ આટલા મોટા સોદા અમેરિકામાં પરત આવી રહ્યા છે.
આ રિફાઈનરીથી શું ફાયદો થશે?
ભવિષ્યના વિઝન પર વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે બ્રાઉન્સવિલે બંદર પર બનનારી આ નવી રિફાઈનરી:
-
બજાર અને સુરક્ષા: અમેરિકી બજારોને વેગ આપશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરશે.
-
ઉર્જા ઉત્પાદન: અમેરિકાના ઉર્જા ઉત્પાદનમાં વધારો કરશે અને અબજો ડોલરની આર્થિક અસર પેદા કરશે.
-
રોજગારી: આ વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઈનરી હશે જે વિસ્તારમાં હજારો લાંબા સમયથી પ્રતિક્ષિત નોકરીઓ અને વિકાસ લાવશે.
-
નિકાસ: તે વૈશ્વિક નિકાસને પ્રોત્સાહન આપશે.
Post Views: 0











