ગુજરાતમાં ધૂળેટી કાળમુખી સાબિત થઇ: ઠેર-ઠેર માતમની ચીસો,રાજ્યમાં ડૂબી જવાથી કુલ 24થી વધુ જિંદગીઓ હોમાઈ

જ્યાં એક તરફ આખો દેશ રંગોના ઉત્સવમાં મગ્ન હતો… ત્યારે ગુજરાતમાં ધૂળેટીનો આ પવિત્ર તહેવાર અનેક પરિવારો માટે કાળો સાબિત થયો છે. રંગે રમીને નદી, નાળા કે તળાવોમાં નહાવા ગયેલા 24થી વધુ લોકોના ડૂબી જવાથી મોત થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કાળમુખી ધૂળેટી: ઠેર-ઠેર માતમની ચીસો

રાજ્યના અરવલ્લી, સુરત, મહીસાગર અને અમરેલી સહિતના 7થી 8 જિલ્લાઓમાંથી હૃદય કંપાવી દેનારા સમાચાર આવ્યા છે. ઉત્સવની ખુશીઓ પળવારમાં ચીસ અને કરુણ આક્રંદમાં ફેરવાઈ ગઈ હતી.

  • મહીસાગરમાં મોટી હોનારત: સૌથી વધુ આઘાતજનક ઘટના મહીસાગર જિલ્લાના કોઠંબા પાસેના રાઘવના મુવાડા ગામે બની હતી.અહીં ગામના તળાવમાં નહાવા ગયેલા 4 યુવકોના એકસાથે ડૂબી જવાથી મોત થતા આખા ગામે આંસુ સાથે ધૂળેટી મનાવી હતી.

  • માસૂમ બાળકોના પણ મોત: પંચમહાલના નવા જાંબુફળી વિસ્તારમાં રાયચંદ અને જૈમીન ડામોર નામનો માસૂમ બાળક પણ પાણીની ઊંડાઈનો શિકાર બન્યો હતો.

  • અન્ય જિલ્લાઓમાં કહેર: સુરત, રાજકોટ, મહેસાણા, દેવભૂમિ દ્વારકા અને નર્મદા જિલ્લાઓમાં પણ ડૂબી જવાની અનેક ઘટનાઓ નોંધાઈ હતી.કુલ મૃત્યુઆંક 24 ને પાર કરી ગયો હતો.

વહીવટી તંત્ર અને બચાવ કામગીરી

સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અનેક ગામોમાં એકસાથે નિકળેલી સ્મશાનયાત્રાઓ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખમાં પણ આસું આવી ગયાં હતાં.

ચેતવણી છતાં મોટી લાપરવાહી?

પ્રશાસન દ્વારા તહેવાર પહેલા જ લોકોને ઉંડા પાણી, નદી કે તળાવમાં ન ઉતરવાની અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં સાવચેતીનો અભાવ અને જોખમી રીતે નહાવાની ઘેલછાએ અનેક પરિવારોના કુળદીપક બુઝાવી દીધા છે…રંગોનો તહેવાર ખુશીઓ લાવવા માટે હોય છે..પરંતુ પાણીની ગહેરાઈને માપવામાં થયેલી એક નાનકડી ભૂલ આજે અનેક ઘરોમાં કાયમી અંધકાર લાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE