મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની આગ હવે સામાન્ય નાગરિકો જ નહીં, પણ બોલિવૂડ સેલેબ્સ સુધી પણ પહોંચી ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા અને તેની પુત્રી સાયરા હાલમાં દુબઈમાં એક અત્યંત ચિંતાજનક અને ડરામણી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ આસમાનમાંથી મિસાઈલો વરસી રહી છે અને બીજી તરફ એક માતા પોતાની દીકરીને બચાવવા સંઘર્ષ કરી રહી છે.
ઘટના 28 ફેબ્રુઆરીની છે. લારા દત્તા એક બ્રાન્ડ પ્રમોશન માટે દુબઈના એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી. બધું સામાન્ય હતું..ત્યાં જ અચાનક આકાશમાં કાન ફાડી નાખે તેવા ધડાકા સંભળાયા.લારાએ જણાવ્યું કે, “અમે સ્ટુડિયોની અંદર હતા ત્યારે જોરદાર અવાજો આવ્યા. અમે જોયું કે હવામાં મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરવામાં આવી રહી હતી. ફાઈટર જેટ્સ અમારા માથા ઉપરથી પસાર થઈ રહ્યા હતા.”જીવ બચાવવા માટે લારા અને તેની પુત્રી સાયરા સ્ટુડિયોમાંથી બહાર ભાગ્યા અને સુરક્ષિત વિલા તરફ દોડ લગાવી.
લારાના પતિ કામના અર્થે બહાર હોવાથી, તે પોતાની દીકરી સાથે એકલી હતી. લારાએ ભાવુક થતા કહ્યું કે, “ધડાકા એટલા શક્તિશાળી છે કે અમારા વિલાની બારીઓ હલી રહી છે અને દરવાજા ખખડી રહ્યા છે. એક માતા તરીકે મારી સૌથી મોટી ચિંતા મારી દીકરીની સુરક્ષા અને તેની માનસિક શાંતિ છે.” આ કપરા સમયમાં વિલાનો સ્ટાફ અને માળી લારાની મદદ કરી રહ્યા છે.
આટલા તણાવ વચ્ચે પણ લારાએ યુએઈ (UAE) સરકારના વખાણ કર્યા છે. તેણે જણાવ્યું કે ત્યાંનું પ્રશાસન નાગરિકોની સુરક્ષા માટે રાત-દિવસ એક કરી રહ્યું છે. લારાએ કહ્યું, “અમારી રાષ્ટ્રીયતા ગમે તે હોય, પણ અહીં અમને સુરક્ષિત અનુભવ કરાવવામાં આવે છે. પ્રશાસન અને સામાન્ય લોકો જે રીતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે તે કાબિલે તારીફ છે.”
વીડિયોના અંતમાં લારાએ એક મહત્વની વાત કહી – બાળકોનું માનસિક સ્વાસ્થ્ય. ભયાનક ધડાકાઓ અને યુદ્ધના માહોલ વચ્ચે દીકરી સાયરા ડરી ન જાય તે માટે લારા અને તેનો પરિવાર વાતાવરણ સામાન્ય રાખવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના સાબિત કરે છે કે યુદ્ધ માત્ર સરહદો પર જ નહીં..પણ હજારો કિલોમીટર દૂર રહેલા નિર્દોષ પરિવારો અને બાળકોના મન પર પણ કેવી ઘેરી અસર કરે છે. દુબઈમાં ફસાયેલી લારા દત્તા અત્યારે વતન પરત ફરવાની રાહ જોઈ રહી છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે લારા, તેની દીકરી અને ત્યાં ફસાયેલા તમામ નિર્દોષ લોકો વહેલી તકે સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે પરત ફરે.
Post Views: 102











