રાજયભરમાં ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ વિરુદ્ધ એક્શનની માંગ ઉઠી છે..ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તવાઈ બોલાવી હતી..તો બીજી તરફ રાજકોટમાં પણ આજ પ્રકારની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે..પુરૂષ અને સ્ત્રી વચ્ચેનો શરીરસંબંધ પ્રજોત્પતિ માટે શાસ્ત્ર અનુસાર પવિત્ર લેખવામાં આવ્યો છે. એ એક અલગ બાબત છે.પરંતુ દાયકાઓ નહીં, સૈકાઓથી આ પ્રકારના સંબંધ માત્ર આનંદ માટે બંધાતા રહ્યા છે, એ માણસની પ્રકૃતિ પણ છે. આ બાબતને ‘બિઝનેસ’ તરીકે પણ માણસ ચલાવે છે. અને હવે એમાં ટેકનોલોજિનો ઉપયોગ શરૂ થયો.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અસંખ્ય મહિલાઓ આ ‘બિઝનેસ’ કરે જ છે. અસંખ્ય એવી ગેંગ પણ છે, જે મહિલાઓને સાથે રાખી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શિકાર શોધે છે. નાણાં કમાય છે.જે પૈકી અમુક ગેંગ ઝડપાઈ પણ જાય છે. એવા સમયે ‘હનીટ્રેપ’ સમાચાર બને છે. આ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઘણાં લોકો આ બિઝનેસ કોર્પોરેટ સ્ટાઈલથી કરે છે. મહિલાઓની જાહેરાત કરવામાં આવે છે. રેટકાર્ડ તૈયાર હોય છે. મિલન માટે લોકેશન સેટ કરી આપવામાં આવે છે.અને આ માટેના પેમેન્ટ ઓનલાઈન પણ સ્વીકારવામાં આવે છે. લગભગ દરેક શહેરોમાં આ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય છે.
આ ધંધામાં પણ ગુનાહિત માનસ ધરાવતા લોકો બીજી રીતે શિકાર શોધે છે. ઓનલાઈન પધ્ધતિએ પેમેન્ટ મેળવી લ્યે. બેંક એકાઉન્ટમાંથી ‘રોકડી’ પણ કરી લ્યે. પરંતુ પેમેન્ટ ચૂકવનારને ‘સર્વિસ’ ન આપે. આ પ્રકારના ચિટિંગનો ભોગ બનેલા ફરિયાદ કરવા ક્યાં જાય? આ રીતે પણ છેતરપિંડીઓ ચાલતી રહે. યુવા તેમજ વેપારી વર્ગ અને બિઝનેસમેન સાથે ઉદ્યોગપતિઓ સહિતના ઘણાં વર્ગના અમુક લોકો આ પ્રકારના બોગસ નેટવર્કિંગમાં સપડાઈ જતાં હોય છે. જોકે આ પ્રકારના ગુનાઓ અટકાવવા તાજેતરમાં અમદાવાદ પોલીસે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. તેઓ યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનું સામે આવ્યું છે. કેટલાક એકાઉન્ટ પર સર્વિસના નામે કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને યુપીઆઈ આઇડીથી પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે તેવી ઝુંબેશ રાજકોટ સહિત રાજ્યભરના શહેરોની પોલીસ કરે એ જરૂરી બની જાય છે. હાલ રાજકોટ સહિતના શહેરોમાં પણ આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટી આઈડી બનાવી એસ્કોર્ટ સર્વિસના નામે નાગરિકોને આકર્ષવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આકર્ષક પોસ્ટ્સ અને જાહેરાતો મૂકીને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે. કેટલીયે વેબસાઇટ્સ પર મહિલાઓના એડિટ કરેલા તથા એઆઈ દ્વારા બનાવેલા ફોટા મૂકવામાં આવે છે. આ ફોટાઓનો ઉપયોગ કરીને ગ્રાહકોને દેહવિક્રયની સર્વિસ ઉપલબ્ધ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહકોને સર્વિસ બુકિંગના નામે યુપીઆઈ આઈડી દ્વારા રૂપિયા ચૂકવવા માટે મજબૂર કરવામાં આવે છે. જોકે એકવાર પૈસા ચૂકવ્યા બાદ ન તો કોઈ સર્વિસ આપવામાં આવે છે અને ન તો તેઓનો સંપર્ક શક્ય બને છે. આ ગુનામાં ભોગ બનનાર પણ પોલીસ ફરિયાદ નોંધાવતા ડરે છે. તેથી આ પ્રકારની ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે થતી છેતરપિંડી મામલે રાજ્યભરના શહેરોની પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી જરૂરી બની જાય છે.
Post Views: 205











