બુલડોઝર એક્શન પર કાનૂની બ્રેક? ચોટીલા ડિમોલિશનનો વિવાદ હાઇકોર્ટના ઉંબરે; અરજદારે તંત્રની કાર્યવાહીને પડકારી.

ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ ચોટીલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. હાઇકોર્ટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સામે લાલ આંખ કરી હતી.

કોર્ટે મામલતદારને જણાવ્યું કે,બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? કોઈ પણ પ્રોસિડીંગ વગર તમે જે હુકમ કર્યો છે તે શંકાસ્પદ છે.તમારી સામે શિસ્ત સંબંધી પગલા લેવા જોઈએ.હવે તમારે જવાબ આપવાનો છે કે પ્રોસેડિંગ કેમ ના થઈ? તમારી સામે ખાતાકીય પગલા લેવાઈ શકે છે.નોટિસ વગર તમે બાંધકામ તોડી નાખ્યું છે અને પછી તેને છુપાવવા હાઇકોર્ટમાં ત્રાગા કર્યા છે.’તમને ભવિષ્યમાં સસ્પેન્ડ કરાઈ શકે છે.તમે કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો.ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને ભોગવવું પડશે..તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેનો ખુલાસો આપો નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે.આ અંગે વધુ સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ યોજાશે.’

અરજદાર આ પહેલાં અરજદાર તરફથી 15 જાન્યુઆરીએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે, કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર વહીવટી તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો છે.ટ્રસ્ટે સ્વીકાર્યું કે,તેમનું બાંધકામ સરકારી જમીન ઉપર છે.પરંતુ 80 વર્ષથી તે જમીન ઉપર તેમનો કબજો છે અને તેમને કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી.ચોટીલાની આ વિવાદિત જમીન ઉપર ગૌશાળા, નવગ્રહ મંદિર અને ધર્મશાળા આવેલા છે..12 જાન્યુઆરીએ ધર્મશાળાને તોડી નાખવામાં આવી હતી.વહીવટી તંત્ર દ્વારા મંદિરને નહીં તોડવાની વાત કરાઈ છે.પરંતુ ગૌશાળા તોડવામાં આવી રહી છે.

સરકારી વકીલે જણાવ્યું કે,લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત તેઓને નોટિસ આપવામાં આવી હતી.જ્યારે ટ્રસ્ટનું કહેવું કે તેમને કોઈ નોટિસ મળી નથી.કોર્ટે કહ્યું હતું કે શિયાળામાં તેઓ ગાય ક્યાં મૂકશે? 28 જેટલી ગાય ટ્રસ્ટ પાસે છે.શરૂઆતમાં કોર્ટે ગાયોને નુકસાન થાય નહીં અને ઓથોરિટીના વકીલને ઓફિસરોને પૂછવા કહ્યું હતું કે તેઓ શું કામ કરવાના છે અને જે પણ કામ કરવાના હોય તે કાયદા મુજબ જ કામ કરે…આ સાથે જ 15 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ઓથોરિટીના વકીલે બપોરે 12.40 કલાકે બાહેધરી આપી હતી કે જે છે તે પરિસ્થિતિ જાળવવામાં આવશે.

‘ડેપ્યુટી કલેક્ટર ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના સોંગ વગાડે છે’ પરંતુ અરજદારના વકીલ ફરી હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા અને જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટર જાતે જ ઘણું બધું વિચારે છે.12:40 વાગ્યે ટ્રસ્ટને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ કાર્યવાહી આગળ કરાશે નહીં.પરંતુ 1 વાગ્યે ગૌશાળા તોડી પાડવાનો વિડીયો તેમના અસીલ તરફથી મળ્યો છે. JCB મશીનથી ગૌશાળા તોડવાની કામગીરી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર સરકારનું જોરદાર કામ કરવાનો દેખાડો કરે છે, કાયદો હાથમાં લે છે. ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડે છે.

જો લકે સરકારી વકીલે કહ્યું હતું કે શેડ તોડ્યા પહેલા અરજદાર ગાયો લઈ ગયા હતા. જ્યારે અરજદારની કહેવું હતું કે બાહેંધરી આપ્યા બાદ પણ શા માટે ઓથોરિટીએ કાયદો હાથમાં લીધો? હાઈકોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સમક્ષ મુકવા જણાવ્યું હતું…સાથે જ સ્ટેટસ કવો જાળવી રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

20 જાન્યુઆરી રોજ સુનાવણીમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના ફોટો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જ્યાં ફરીથી અરજદારે કહ્યું હતું કે તેમને કોઈ નોટીસ આપવામાં આવી નથી અને સીધા જ બાંધકામો તોડવાની કામગીરી હાથમાં લઈને ઓથોરિટી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ડેપ્યુટી કલેક્ટર દ્વારા કોર્ટ સમક્ષ જુઠ્ઠાણું મુકવામાં આવ્યું છે. જે 24 નવેમ્બર, 2025ની ડિમોલિશન ઓર્ડરની વાત કરવામાં આવે છે, તે અરજદારોને મળી જ નથી..પરંતુ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાતા 17 જાન્યુઆરી, 2026ના રોજ તેમને નોટિસ મળી હતી.જે પણ સાદી પોસ્ટથી મોકલવામાં આવી હતી.જો કે પોસ્ટ વિભાગના તારીખ મારેલા સિક્કાથી જાહેર થાય છે કે વહીવટી તંત્ર પોતાને સાચું સાબિત કરવા કોર્ટની પ્રોસિજર સાથે પણ રમત રમી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE