મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી વેન અને સિમેન્ટ મિક્સર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
આ ઘટના સોમવારે સવારે અંદાજે 11:30 વાગ્યે કલ્યાણ-મુરબાદ નેશનલ હાઈવે 61 પર મુરબાદના ગોવિલી ગામ પાસે આવેલા રાયતા પુલ પર બની હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે વેનનો કચડઘાણ નીકળી ગયો હતો.
વેનમાં ફસાયા હતા મુસાફરો
અકસ્માત બાદ વેનમાં સવાર મુસાફરો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં હજુ પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ પૂરઝડપ અથવા ઓવરટેકિંગનો પ્રયાસ હોવાનું મનાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, સિમેન્ટ મિક્સરનો ડ્રાઈવર નશામાં હતો કે પછી કોઈ ટેકનિકલ ખામીને કારણે આ હોનારત સર્જાઈ. હાલ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
Post Views: 28











