PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘ખાડી દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહ્યો છે વિપક્ષ’, કેરળમાં ગર્જ્યા વડાપ્રધાન

કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના નિવેદનો પશ્ચિમ એશિયાના (ગલ્ફ) દેશોને નારાજ કરી શકે છે. જે ત્યાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.

‘કોંગ્રેસ ઈચ્છે છે કે ખાડી દેશો ભારતને દુશ્મન માને’

વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ જાણીજોઈને એવા નિવેદનો આપી રહ્યો છે જેનાથી ભારત અને ખાડી દેશોના સંબંધોમાં તણાવ પેદા થાય. તેમણે કહ્યું, “કોંગ્રેસ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને પોતાનો દુશ્મન માને. જો આવું થશે તો ત્યાં વસતા લાખો ભારતીયો, ખાસ કરીને કેરળના લોકોએ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.”

રાજનીતિ કરતા નાગરિકોની સુરક્ષા સર્વોપરી: PM

પીએમ મોદીએ સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે ચૂંટણીઓ આવતી-જતી રહે છે, પરંતુ દેશના નાગરિકોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના યુદ્ધ સંકટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના મનસૂબાઓને બેનકાબ કરી દીધા છે.

  • પીએમએ ઉમેર્યું કે, “ખાડી દેશો સાથે ભારતની મિત્રતા મજબૂત છે. તેથી જ ત્યાંની સરકારો ભારતીયોને પોતાનો પરિવાર માનીને સુરક્ષા આપી રહી છે. વિપક્ષે આવા સમયે પાયાવિહોણા નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ.”

‘કોંગ્રેસ કેરળની જનતાની માફી માંગે’

વડાપ્રધાને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, માત્ર ચૂંટણી જીતવા અને વડાપ્રધાનને ગાળો આપવા માટે કોંગ્રેસ 1 કરોડ પ્રવાસી ભારતીયોનું જીવન જોખમમાં મૂકવા તૈયાર છે.

  • તેમણે ઈરાનમાં ફસાયેલા તમિલનાડુ, ગોવા, કેરળ, તેલંગાણા અને પુડુચેરીના માછીમારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર તેમને સુરક્ષિત પરત લાવવા માટે પૂરી તાકાત લગાવી રહી છે.

  • અંતમાં તેમણે કહ્યું કે સ્વાર્થી રાજનીતિ માટે કોંગ્રેસે કેરળના લોકોની માફી માંગવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE