ગોવાના બાગા બીચ પરથી એક રુંવાડા ઉભા કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં પેરાસેલિંગ દરમિયાન હવામાં ઉડી રહેલા પ્રવાસીનું દોરડું (કેબલ) અચાનક તૂટી ગયું અને તે સીધો હજારો ફૂટની ઊંચાઈએથી ઊંડા દરિયામાં ખાબક્યો. આ સમગ્ર ઘટના કિનારા પર હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અકસ્માતે ગોવામાં એડવેન્ચર સ્પોર્ટ્સની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગે આ બાબતની નોંધ લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ ઘટના 30 માર્ચની સાંજની છે. એક પ્રવાસી બાગા બીચ પર પેરાસેલિંગની મજા માણી રહ્યો હતો. પ્રવાસી પેરાશૂટના સહારે આકાશમાં ઘણી ઊંચાઈ પર હતો અને બોટ તેને ઝડપથી ખેંચી રહી હતી. ત્યારે અચાનક પેરાશૂટને બોટ સાથે જોડી રાખતો મજબૂત કેબલ હવામાં જ તૂટી ગયો. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ પરનું નિયંત્રણ ખોરવાઈ ગયું અને પ્રવાસી સીધો દરિયાના મોજાંઓ વચ્ચે જઈ પડ્યો.
📍Goa: On March 29, a parasailing cable snapped during the activity, leading to a frightening incident. The video raises concerns about safety standards in adventure sports. pic.twitter.com/9t0Gn2GLe6
— Deadly Kalesh (@Deadlykalesh) March 30, 2026
લાઈફ જેકેટે જીવ બચાવ્યો
આ ભયાનક દ્રશ્ય જોઈને કિનારા પર હાજર લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, સદનસીબે પ્રવાસીએ સુરક્ષાના નિયમોનું પાલન કરીને લાઈફ જેકેટ પહેર્યું હતું. લાઈફ જેકેટને કારણે તે પાણીમાં ડૂબ્યો નહીં અને સપાટી પર તરતો રહ્યો. ઘટના બનતાની સાથે જ બોટમાં હાજર સ્ટાફ અને સ્થાનિક લાઈફગાર્ડ્સે ચપળતા બતાવી તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ગણતરીની મિનિટોમાં જ તે વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો. અધિકારીઓનું કહેવું છે કે, સાધન-સામગ્રીની તપાસ કરવામાં આવશે અને જો ઓપરેટરની બેદરકારી જણાશે તો તેનું લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રવાસીઓની સુરક્ષા પર સવાલ
ગોવા આવતા લાખો પ્રવાસીઓ માટે પેરાસેલિંગ સૌથી પ્રિય સ્પોર્ટ્સ છે, પરંતુ સમયાંતરે થતા આવા અકસ્માતો ડર પેદા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે, એડવેન્ચર સ્પોર્ટ્સ ઓપરેટરોએ નિયમિતપણે તેમના સાધનો અને કેબલની મજબૂતીની તપાસ કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈનો જીવ જોખમમાં ન મુકાય. હાલમાં પ્રવાસી સુરક્ષિત છે. પરંતુ આ ઘટનાએ તેને જીવનભરનો ફાળકો (ડર) આપી દીધો છે.
Post Views: 270











