ગુજરાત હવે વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર એક મજબૂત સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન (Kaynes Semicon) ના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માઇક્રોન બાદ સાણંદમાં કાર્યરત થનારો આ બીજો મોટો પ્લાન્ટ છે.જે ભારતની વધતી આર્થિક અને તકનીકી ક્ષમતાનું પ્રતીક છે. આ પ્રસંગે વડાપ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને દોહરાવતા જણાવ્યું હતું કે, અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ માત્ર સ્થાનિક જરૂરિયાતો જ નહીં, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશોની માગને પણ પૂરી કરશે. હાલમાં આ મિશન હેઠળ દેશના છ રાજ્યોમાં કુલ 10 મોટા પ્રોજેક્ટ્સ પર ગતિશીલ રીતે કામ ચાલી રહ્યું છે.જે ભારતની ઈકોનોમિક ઈકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ અત્યંત મહત્વકાંક્ષી છે. કેઇન્સ સેમિકોનનો આ પ્લાન્ટ પ્રતિદિન 60 લાખથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે જ, સાણંદમાં નિર્માણ પામી રહેલો માઇક્રોનનો પ્લાન્ટ 2027 સુધીમાં દરરોજ 10 લાખ ચિપ્સનું ઉત્પાદન કરતો થઈ જશે. આમ, આ બંને પ્લાન્ટ્સ જ્યારે પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થશે. ત્યારે સાણંદમાંથી જ દરરોજ અંદાજે 70 લાખ જેટલી ચિપ્સ તૈયાર થશે.આ જંગી ઉત્પાદન ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.જેમાંથી ત્રણ પ્લાન્ટ સાણંદમાં અને એક વિશાળ પ્લાન્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માં સ્થાપિત થઈ રહ્યો છે.આ ઔદ્યોગિક ક્રાંતિથી રાજ્યમાં હજારો કુશળ યુવાનો માટે હાઈ-ટેક રોજગારીની તકો ઊભી થશે.ખાસ કરીને ભારતીય મૂળની કંપની દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ થવો એ ગૌરવપૂર્ણ બાબત છે, જેનાથી સ્થાનિક પેકેજિંગ ક્ષમતામાં અનેરો વધારો થશે.સાણંદ હવે ખરા અર્થમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટનું એપીસેન્ટર બની રહ્યું છે.જે ભારતને વિશ્વના ટોચના ટેકનોલોજી નિકાસકાર દેશોની હરોળમાં લાવી દેશે.
Post Views: 270











