પાલનપુર સિવિલ હોસ્પિટલની મોટી સફળતા: અત્યંત દુર્લભ ‘પેમ્ફિગસ’ બીમારીથી પીડાતા મહિલાને મળ્યું નવજીવન

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના સહયોગથી નિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના સ્કીન (ચામડી) વિભાગના તબીબોએ જટિલ અને દુર્લભ ગણાતી ‘પેમ્ફિગસ’ નામની બીમારીનો સફળ ઇલાજ કરી 40 વર્ષીય મહિલા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કર્યા છે.

કેસની વિગત: 6 મહિનાની પીડાનો આવ્યો અંત

પાલનપુર તાલુકાના રામપુરા ગામના રહેવાસી લક્ષ્મીબેન ઠાકોર (ઉં.વ. 40) છેલ્લા 6 મહિનાથી મોઢામાં ચાંદા અને શરીર પર પાણી ભરેલા ગંભીર ફોડલાની તકલીફથી પીડાતા હતા.સ્થાનિક કક્ષાએ સારવાર લેવા છતાં કોઈ સુધારો ન થતા, પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અંતે પરિવારજનો તેમને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સ્કીન વિભાગમાં લાવ્યા હતા.

સચોટ નિદાન અને ‘રીટુકઝીમેબ’ ઇન્જેક્શનનો ચમત્કાર

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે વિવિધ રિપોર્ટ્સ દ્વારા તપાસ કરતા માલૂમ પડ્યું કે લક્ષ્મીબેનને ‘પેમ્ફિગસ’ નામની ઓટો-ઈમ્યુન બીમારી છે.આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ ત્વચા પર હુમલો કરે છે.

સારવાર દરમિયાન તબીબોએ ‘રીટુકઝીમેબ’ નામના ખાસ ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો હતો. આ અત્યાધુનિક સારવારથી દર્દીની ખોટી રીતે કાર્ય કરતી રક્ષણ પ્રણાલી નિયંત્રિત થઈ અને માત્ર 40 દિવસની સઘન સારવાર બાદ લક્ષ્મીબેન સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

તબીબોની ટીમની પ્રશંસનીય કામગીરી

આ સફળ સારવારમાં સ્કીન વિભાગના નિષ્ણાત તબીબો:

  • ડૉ. પ્રિયંકા સોંદરવા

  • ડૉ. દિનેશ ચૌધરી

  • ડૉ. દીપક ચૌધરી

  • ડૉ. કૌશિક ચૌધરી તથા નર્સિંગ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો. સ્વસ્થ થયા બાદ દર્દીના પરિવારે બનાસ હોસ્પિટલ પરિવાર અને તમામ ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આરોગ્ય ક્ષેત્રે બનાસ મોડેલની સિદ્ધિ: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન તથા મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીની દેખરેખ હેઠળ આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં આરોગ્યનું કેન્દ્ર બની છે. દરરોજ 1800 થી વધુ દર્દીઓ અહીં ઓર્થોપેડિક, સર્જિકલ, સ્કીન અને ઈ.એન.ટી. જેવી શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર સારવાર મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE