પત્ની નોકરાણી નથી, જીવનસાથી છે’, છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; પતિને આપ્યો સ્પષ્ટ સંદેશ

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પત્ની દ્વારા ઘરકામ ન કરવું જેમ કે રસોઈ ન બનાવવી તેને ‘ક્રૂરતા’ ગણી શકાય નહીં. અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું કે, લગ્નનો અર્થ કોઈ નોકરાણી સાથે નથી. પરંતુ જીવનસાથી સાથે હોય છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું, “તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, તમે એક જીવનસાથી સાથે લગ્ન કરી રહ્યા છો.” કોર્ટે એ પણ ઉમેર્યું કે, હવે સમય બદલાઈ ગયો છે અને ઘરના કામકાજમાં પતિએ પણ સમાન જવાબદારી નિભાવવી જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, “આજના સમયમાં રસોઈ બનાવવી, કપડાં ધોવા જેવા કામોમાં પતિએ પણ સહયોગ આપવો પડશે.”

શું છે સમગ્ર મામલો?

આ મામલો એક દંપતી સાથે જોડાયેલો છે. જેમના લગ્ન વર્ષ 2017માં થયા હતા અને તેમને આઠ વર્ષનો પુત્ર છે. પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરતા આરોપ લગાવ્યો હતો કે લગ્નના એક અઠવાડિયા પછી જ પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું અને તેણે તેના તથા પરિવાર સાથે ખરાબ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું.

પતિનો દાવો છે કે પત્નીએ તેના અને તેના માતા-પિતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો, રસોઈ બનાવવાની ના પાડી અને બાળકના જન્મ પછી તેને નામકરણ વિધિમાં પણ બોલાવ્યો નહોતો.

બીજી તરફ, પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે તે બાળકના જન્મ માટે પતિ અને તેના પરિવારની સંમતિથી પિયર ગઈ હતી. પરંતુ પતિ અને તેનો પરિવાર સમારોહમાં સામેલ થયા નહોતા. પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેના પરિવાર પાસે રોકડ અને સોનાની માંગણી કરવામાં આવી હતી.

અત્યાર સુધી કોર્ટમાં શું થયું?

ફેમિલી કોર્ટે પતિની અરજી સ્વીકારીને ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા. જોકે, પત્નીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં અદાલતે છૂટાછેડાના આદેશને રદ કરી દીધો હતો.

હાઈકોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ થઈને પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને મધ્યસ્થી (મેડિયેશન) માટે મોકલ્યા હતા. પરંતુ મામલો ઉકેલાઈ શક્યો નહોતો. હવે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણીમાં બંને પક્ષોને વ્યક્તિગત રીતે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE